સુરેન્દ્રનગર
પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારોની તબિયત લથડી છે. જેને લઈને હાલમાં સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક સુવિધાઓ અને ચેક માટે રેગ્યુલર ટીમો આવતી નથી. આપના ઉપવાસ પર ઉતરેલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા દોડધામ મચી હતી. તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આશિત વોરાને સરકાર ભરતી પ્રક્રિયા અધ્યક્ષ તરીકેના પદ પરથી જ્યા સુધી નહીં હટાવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે તેવી સુરેન્દ્રનગર આપના કાર્યકરોએ ચીમકી આપી છે. હજુ પણ જિલ્લાની કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ રાખવામાં આવ્યું છે. ત્યારે તબિયત લથડનારાને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલે તાત્કાલિક લઈ જવામાં આવ્યાં છે.રાજ્યમાં પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેમાં આશિત વોરા કે, જે ભરતી પ્રક્રિયાના અધ્યક્ષ છે તેમને હટાવવાની માગણી કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી સામે પણ છેલ્લા પાંચ દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે.


