અમદાવાદ,
૯ ઓક્ટોબરે ૩ અલગ-અલગ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી ૩૩૭ ગ્રામ એટલે કે અંદાજે રૃપિયા ૧૬.૪૦ લાખનું સોનું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન આ ત્રણેય મુસાફરો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું. ૧૧ ઓક્ટોબરે એક જ મુસાફર પાસેથી ૮ આઇફોન ૧૨ અને ૬ આઇફોન ૧૧ પ્રો મેક્સ ઝડપાયા હતા, જેની અંદાજીત કિંમત ૭.૫૪ લાખ હતી. ૧૩ ઓક્ટોબરના બે મુસાફરો પાસેથી રોડિયમ ક્લોટિંગ કરેલા સોનાની ચેન બે કડા સાથે મુસાફરો ઝડપાયા હતા. ૪૭૧ ગ્રામના સોનાની આ કિંમત અંદાજે રૂપિયા ૨૩ લાખ છે. કસ્ટમ્સના નિયમ મુજબ વિદેશથી આવી રહેલો પુરુષ પ્રવાસી ૨૦ હજાર અને મહિલા પ્રવાસી ૪૦ હજારનું સોનું લાવી શકે છે તે પણ જ્વેલરી ફર્મમાં હોવું જાેઇએ અને કસ્ટમ્સમાં ડેક્લેરેશન ફોર્મ ભરવું પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક મહિનાથી દુબઇ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને તેની સાથે જ સ્મગલિંગ સાથે સંકળાયેલા કેરિયરોનું પ્રમાણ પણ વધ્યું છે. જેના પગલે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વોચ વધારી દેવામાં આવી છે કોરોનાકાળમાં એરપોર્ટ પર મુસાફરોની અવર જવર ખૂબ જ ઘટી હતી. પરંતુ હવે કોરોના કાબુમાં આવતાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એર ટ્રાફિક શરૂ થઈ ગયો છે. એર ટ્રાફિક શરૂ થવાથી દાણચોરો પણ સક્રિય થઈ ગયાં છે. અમદાવાદ એરપોર્ટ પર ઓક્ટોબર મહિનામાં જ વિદેશથી આવેલા મુસાફરો પાસેથી દાણચોરી માટે લાવવામાં આવી રહેલું ૬૦ લાખથી વધુ કિંમતનું સોનું અને કિંમતી માલસામાન ઝડપી પાડવામાં આવ્યો છે. એરપોર્ટ ખાતે કેરિયરોની સક્રિય થયેલી ચેનલ કસ્ટમ્સના અધિકારીઓ માટે માથાના દુઃખાવા સમાન પુરવાર થઇ ગઇ છે. દુબઇ માટેની નિયમિત ફ્લાઇટનો પ્રારંભ થતાં જ અમદાવાદ એરપોર્ટ ખાતે સ્મગલિંગના પ્રમાણમાં પણ વધારો થયો છે. પાંચ ઓક્ટોબરે મુસાફર પાસેથી સોનાના બે કડા ઝડપવામાં આવ્યા હતા. આ બંને મુસાફરો રૂપિયા ૧૨ લાખની કિંમતનું આ સોનું તેમના જૂતામાં છુપાવીને લાવી રહ્યા હતા. આ બંને મુસાફરો ઈમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સને શંકા ગઇ હતી. મેટલ ડિટેક્ટરથી તપાસ કરતાં તેમના જૂતામાંથી પ્યોર ગોલ્ડના સોનાના કડા મળી આવ્યા હતા.
