રાજકોટ
રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા પરિવારની ૧૪ વર્ષની સગીર વયની દીકરી ઘર પાસે કચરો ફેંકવા ગયા બાદ ગુમ થતા અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે અપહૃતની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. અપહૃતનો પરિવાર દોઢ મહિના પહેલા આ વિસ્તારમાં રહેવા આવ્યા છે. મારી દીકરી ધોરણ ૬ સુધી રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. હાલમાં તે અભ્યાસ કરતી નથી. ૨૪ ડિસેમ્બરના રોજ બપોરના હું તથા મારી દીકરી અમારા ઘરે હતા અને મારા પતિ કામ પર ગયા હતા ત્યારે બપોરના ત્રણેક વાગ્યે મારી દીકરી ઘરેથી સામે આવેલા બગીચા પાસે કચરો નાખવા જવાનું કહીને નીકળી હતી. ૧૦-૧૫ મિનીટ થવા છતાં ઘરે પાછી આવી ન હોવાથી હું તેને શોધવા માટે ગઈ હતી. પણ તે મળી આવી નહોથી મેં મારા પતિને ફોન કરી આ બાબતે જાણ કરી હતી. અમારી રીતે દીકરીની સગા-વહાલામાં તપાસ કરી હતી. પરંતુ તે ક્યાંય મળી આવી નહોતી, આથી હું અને મારા પતિએ આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે. મારી દીકરી દેખાવે મધ્યમ બાંધાની અને તેની ઊંચાઇ આશરે ૪.૬ ઈંચ જેટલી છે. તેમજ તેણે શરીરે કાળા કલરનુ જીન્સનુ પેન્ટ તથા નેવી કલર જેવું ટીશર્ટ પહેરેલું હતું. કોઇ અજાણ્યો શખસ મારી સગીર વયની દીકરીનુ અપહરણ કરી ભગાડી લઇ ગયો હોય તેની સામે કાર્યવાહી કરવા અમે ફરિયાદ કરી છે. મહિલાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એસ. ચાવડા, પીએસઆઇ એ.બી.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે. શહેરની શ્રીરામ સોસાયટીમાં રહેતા પરિવારની ૨૭ વર્ષીય પરિણીતા તેની ૭ વર્ષની દીકરીને લઈને ક્યાંક જતી રહેતા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે શાંતિ નિકેતનમાં રહેતા એક મહિલા સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા પરિવારજનોએ બી ડિવીઝનમાં ગુમ થયાની નોંધ કરાવી છે. કામનાથ સોસાયટીમા રહેતા ૩૫ વર્ષીય યુવાન પણ ગુમ થયાની નોંધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
