સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા આયોજિત ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન દિવસે ફાઇનલ મેચ જય ઝાલાવાડ ઇલેવન (સુરેન્દ્રનગર) અને આર-૯ ઇલેવન (રાજકોટ) વચ્ચે યોજાઇ હતી. જેમાં જય ઝાલાવાડ ઇલેવન દ્વારા ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બેટિંગમાં આર-૯ ઇલેવન રાજકોટે ૧૨ ઓવરમાં ૧૩૬ રન બનાવ્યા હતા અને જય ઝાલાવાડને ૧૩૭ રનનો પડકાર જીત માટે આપવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં જય ઝાલાવાડ ઇલેવન ૧૦.૩ ઓવરમાં ૮૮ રનમાં ઓલ આઉટ થઈ જતાં આર-૯ ઇલેવન રાજકોટ ટીમ ચેમ્પિયન બની હતી. જેમાં અજીતસિંહ સોઢાએ ૨.૩ ઓવરમાં ૨૨ રન આપીને ઝાલાવાડ ઈલેવનની પાંચ વિકેટ લીધી હતી. ચેમ્પિયન ટીમને ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ દ્વારા ટ્રોફી અને રોકડા ૨૧ હજારનું ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ રનર અપ ટીમને બકાલાલ પરમાર અને સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા દ્રારા ટ્રોફી અને રૂ. ૧૧ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટ દરમિયાન બેસ્ટ ફિલ્ડર તરિકે રામદેવસિંહ જાડેજા (આર-૯ ઇલેવન), મેન ઓફ ધ સિરીઝ ધમભા પરમાર (રાજ રાજેશ્વરી), બેસ્ટ બોલર તરીકે યોગરાજસિંહ જાડેજા (જય ઝાલાવાડ) તેમજ બેસ્ટ બેટ્સમેન તરીકે જયરાજસિહ ચુડાસમા (જય ઝાલાવાડ)ને જાહેર કરવામાં આવ્યા હતા. આ સૌને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમાપન પ્રસંગે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, બકાલાલ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લાના કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ રાણા, મનહરસિંહ રાણા, પીએસઆઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાં અને વી.એન.જાડેજા તથા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવા સંજાેગોમાં ચાલુ વર્ષે પણ ૧૯ ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
