અમરેલી
ગાંધીનગર પેપર લીક કાંડ મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ગઈકાલે સાબરકાંઠા પોલીસે બાબરા શહેરમાં પહોંચી સ્ટેમ્પ અને ઝેરોક્ષની દુકાન ચલાવનારા એક યુવાનની અટકાયત કરી સાબરકાંઠા લઈ ગઈ હતી. આ ઘટનાને પગલે બાબરા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે ગાંધીનગરના પેપર લીક કાંડ મામલે બાબરા બીજું એપી સેન્ટર નીકળી શકે છે એવી ચર્ચાઓ પણ શહેરમાં જાેવા મળી હતી. ગાંધીનગર પેપર લીક કાંડ મામલે અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર કાંડનું કનેક્શન અમરેલી જિલ્લામાં આવેલ બાબરા શહેરમાંથી નીકળી રહ્યું છે. ત્યારે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ? બાબરના શખ્સ દ્વારા શું શું મદદ કરાઈ હતી? પેપર વહેંચ્યા હતા કે કેમ? સહિતના સવાલો ઉઠી રહ્યા છે.ગઈકાલે ગુરૂવારે રાજકોટ યુનિવર્સિટીમાં બી.કોમ સેમ ૩ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થવાના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જ્યારે ગઈકાલે મોડી રાતે રાજકોટની યુનિવર્સિટી પોલીસ બાબરાની સરદાર પટેલ કોલેજ પહોંચી હતી. જેમાં પ્રિન્સિપાલ, ક્લાર્ક સહિત ૫ જેટલા લોકોની અટકાયત કરી રાજકોટ લઈ જવાયા હતા અને પૂછપરછ શરૂ કરાઈ હતી. ત્યારે બાબરાની સરદાર પટેલ કોલેજ પણ શંકાના ઘેરામાં જાેવા મળી રહી છે.
