,દુબઈ
દુબઈના શાસકની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયાને તેના પતિ વિરુદ્ધ કેસ કરતાં બ્રિટનની ફેમિલી કોર્ટે દુબઇના શાસકને પોતાની પત્ની અને તેમના સંતાનોને ૫૫૪ મિલિયન પાઉન્ડ (૫૫ અબજ ૪૭ કરોડ ૫૧ લાખ રૂપિયાથી વધારે) રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. બ્રિટનની ફેમિલી કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આ છૂટાછેટા માટે સૌથી મોટી રકમની ચુકવણીનો આદેશ છે. લંડન સ્થિત ફેમિલી કોર્ટના જજએ દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમને તેમની પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ-હુસૈનને ત્રણ મહિનામાં ૨૫૧ મિલિયન પાઉન્ડ (૨૫ અબજ ૧૯ કરોડ ૪૯ લાખ રૂપિયાથી વધુ)ની રકમ સુરક્ષા કવર તેમજ વસ્ત્ર અને જ્વેલરી ગુમાવવા પેટે ચૂકવવાના આદેશ આપ્યા હતા. જ્યારે સાથે જ તેમણે દર વર્ષે લગભગ ૧૧ મિલિયન પાઉન્ડની રકમ તેમના સંતાનોના શિક્ષણના ખર્ચ પેટે ચૂકવવાના રહેશે. આ રકમ પેટે બેન્ક ગેરંટી જમા કરાવવા કહ્યું છે. પ્રિન્સેસ હયા ૨૦૧૯માં બ્રિટન ભાગી ગઈ હતી. ત્યારપછી શેખે તેને તલાક માટે જણાવ્યું હતું. હયાએ એવો આક્ષેપ કર્યો હતો કે શેખ તેની હત્યા કરાવવા માગે છે. કોર્ટે પણ તેના ચુકાદામાં નોંધ્યું છે કે શેખ હયાને ડરાવવા-ધમકાવવાનું કામ કરતો હતો. હયા જાેર્ડનના કિંગ અબ્દુલ્લાની સાવકી બહેન છે. યુએઈના વડાપ્રધાન શેખ સાથે તેને ૨૦૧૯માં વિવાદ થયો હતો. હયાએ પોતાની અને પોતાના સંતાનોના જીવને જાેખમ હોવાનું જણાવી યુએઈ છોડી દીધું હતું.
