વોશિંગ્ટન
ન્યૂયોર્કમાં જે દસ લાખ લોકોને મતાધિકાર મળશે, તે હાલ મેયર, સિટી કાઉન્સિલ સભ્ય, કંટ્રોલર અને પબ્લિક એડવોકેટ માટે મત આપી શકશે. પરંતુ નવો કાયદો બન્યા પછી નવા મતદારો હાલ પૂરતું અમેરિકન પ્રમુખ, સ્ટેટ ગવર્નર અને અમેરિકન કોંગ્રેસના સભ્ય ચૂંટવા યોજાતી ચૂંટણીઓમાં મત નહીં આપી શકે.અમેરિકાના અગ્રણી રાજ્ય ન્યૂયોર્કમાં હવે ૨.૧૧ લાખથી વધુ ભારતીયને મતાધિકાર મળશે. અમેરિકન પ્રમુખ બાઈડેનની ડેમોક્રેટ સરકારનો આ સૌથી મોટો મતાધિકાર સુધારો મનાય છે. રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી આ સુધારો અટકાવી રાખ્યો હતો. ન્યૂયોર્કમાં આશરે ૧૦ લાખ લોકોને મતાધિકાર મળવાનો છે, જેમાં નોન-સિટિઝન અને ગ્રીનકાર્ડ હોલ્ડર પણ સામેલ છે. ન્યૂયોર્ક અમેરિકાનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. દક્ષિણ એશિયન મૂળના લોકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની જ છે. ત્યાર પછી ૦.૮% બાંગ્લાદેશી અને ૦.૪% પાકિસ્તાની રહે છે. મતાધિકાર મળવાથી ન્યૂયોર્કની ચૂંટણીમાં ભારતીયો પોતાની ભૂમિકા વધુ મજબૂતાઈથી રજૂ કરી શકશે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી મતાધિકાર વધુ લોકોને આપવાથી અમેરિકામાં વિવિધ વંશીય જૂથોનું પ્રતિનિધિત્વ વધશે. ગુરુવારે ન્યૂયોર્ક સિટી કાઉન્સિલમાં આ બિલ માટે મતદાન થશે. આ બિલ પસાર થયા પછી ન્યૂયોર્ક સિટીના સ્થાયી નાગરિકો અને વર્ક પરમિટ ધરાવતા લોકોને પણ મતદાનનો સત્તાવાર અધિકાર મળી જશે. એવું કહેવાય છે કે, આ બિલને કાઉન્સિલના ૫૧માંથી ૩૬ સભ્યનું સમર્થન છે. બિલ પસાર થયા પછી ન્યૂયોર્ક બોર્ડ ઓફ ઈલેક્શન નોન સિટિઝન અને ગ્રીનકાર્ડ હોલ્ડરો માટે જુદાં-જુદાં મતદાર નોંધણી ફોર્મ જારી કરશે. ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર એરિક એડમ્સે આ બિલ લાવવા ઘણી મહેનત કરી છે. આ બિલ અંગે ભારતીય હીના કૌસરનું કહેવું છે કે અમે અહીં જ રહીએ છીએ અને ટેક્સ પણ આપીએ છીએ. હવે અમને મતાધિકાર પણ મળ્યો, જેથી અમે ખુશ છીએ.