નવીદિલ્હી
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કાવડયાત્રા દરમિયાન કરન્ટ લાગતાં એક કાવડિયાનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણને હોસ્પિટલ ખસેડાયા છે. કાવડયાત્રા દરમિયાન કેટલાક લોકો ટ્રક પર ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા, તે સમયે જ આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, વીજળીના લાઇવ તારને અડી જતાં એક વ્યક્તનું મોત નિપજ્યું છે. ૧૧ હજાર કિલોવોટના વીજળીના લાઇવ વાયરને અડી જતાં આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્દોરના મહૂના મેમોડી ગામમાં આ ઘટના બની છે. કાવડિયાઓ શિવમંદિરમાં જળ ચઢાવવા જઇ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક યુવકો ડીજેના ટ્રક પર ચઢી ડાન્સ કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક વીજળીના લાઇવ તારને અડી જતાં એક કાવડિયાનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બીજી બાજુ, કાવડયાત્રામાં હાજર લોકોનું કહેવું છે કે, યુવકો ડીજે ટ્રક પર ચઢીને ડાન્સ કરી રહ્યા હતા. તે સમયે તેઓ હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવ્યા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.


