નવીદિલ્હી
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીને ભારતમાં પ્રવેશ માટેના વિસા મળી જતાં તે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આ સપ્તાહથી શરૂ થઈ રહેલી સિઝનમાં રમી શકશે. જાેકે તે ચેન્નાઈ સુપર કિંગ્સની આ શનિવારે રમાનારી પ્રથમ મેચમાં રમી શકશે નહીં પરંતુ બીજી મેચથી તે રમવા માટે ઉપલબ્ધ બની ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીની સીઇઓ કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે મોઇન અલીને વિસા મળી ગયા છે અને તે ગુરુવારે બપોરે આવી પહોંચ્યો છે. જાેકે તે ત્રણ દિવસના કોરોન્ટાઇન તબક્કાને પૂર્ણ કર્યા બાદ જ રમી શકશે. આમ તે ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી મેચથી ટીમની સાતે જાેડાઈ જશે. આમ મોઇન અલી ભારત આવી પહોંચ્યો છે પરંતુ કોરોન્ટાઇનના નિયમને કારણે તે પ્રથમ મેચમાં રમી શકશે નહીં. આઇપીએલમાં વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ શનિવારથી શરૂ થતી ટુર્નામેન્ટમાં પ્રારંભિક મેચ રમવાની છે અને આ વખતે તેનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થનારો છે. મોઇન અલીને વિસા પ્રાપ્ત કરવામાં વિલંબ થયો કેમ કે ભારતમાં પ્રવેશતા કોઈ પણ પાકિસ્તાન મૂળની વ્યક્તિ માટે એક પ્રક્રિયમાંથી પસાર થવું પડે છે. પરંતુ મોઇનનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો અને મોઇન અવારનવાર ભારત આવતો હોય છે. શનિવારે કોલકાતા સામે વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રારંભિક મેચ રમ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તેની બીજી મેચ ૩૧મી માર્ચે લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમનારી છે.
