નવીદિલ્હી
ચીનના શહેર વુહાનમાં ૨૦૧૯માં ફેલાયેલી કોરોના મહામારીના પ્રચારને રોકવા માટે લગાવેલા પ્રતિબંધોના કારણે ચીનની યુનિવર્સિટીમાં ભણતા ભારત અને અન્ય દેશના હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ગત વર્ષે માર્ચથી ચીન પરત ફરી શક્યા નથી. ચીનમાં અભ્યાસ કરી રહેલા હજારો વિદેશી વિદ્યાર્થીઓની વાપસી એક વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. કારણ કે બીજિંગે પોતાની સખત કોવિડ નીતિના કારણે વિદ્યાર્થીઓને વીઝા આપવાથી ના પાડી દીધી હતી.બે વર્ષ કરતા વધારે સમય પછી ચીને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પરત ફરવાની મંજૂરી આપી છે અને આ માટે વિદ્યાર્થીઓ પાસે ફોર્મમાં જરૂરી જાણકારી માંગવામાં આવી છે. ચીનના ભારતીય દુતાવાસે શુક્રવારે આ જાણકારી આપી છે. ભારતીય દુતાવાસે કહ્યું કે ૨૫ માર્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ની સાથે ભારતના વિદેશ મંત્રી ડો. એસ જયશંકરની બેઠક પછી ચીની પક્ષે ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓની વાપસીની સુવિધા પર વિચાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને વિદ્યાર્થીઓને ૮ મે સુધી ફોર્મ ભરીને જાણકારી પ્રદાન કરવાની વિનંતી કરી છે. ભારત ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા ૨૩,૦૦૦થી વધારે ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવાની મંજૂરી આપવા માટે દબાણ બનાવી રહ્યું હતું. આ પ્રયત્નમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ગત મહિને પોતાના ચીની સમકક્ષ વાંગ યી ના દિલ્હી પ્રવાસ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના અલગ-અલગ ચીનની કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ ચીને કોવિડ-૧૯ મહામારીને લઇને પોતાના સખત વીઝા પ્રતિબંધોના કારણે સ્વદેશમાં ફસાયેલા ૨૩,૦૦૦થી વધારે ભારતીય વિદ્યાર્થીઓની જલ્દી વાપસી માટે કામ કરવાનો ભારતને વાયદો કર્યો હતો. આ સાથે ચીને ભારતને આશ્વત કર્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં કારણ કે તેમનો અભ્યાસ ફરીથી શરુ કરાવવો કોઇ રાજનીતિક મુદ્દો નથી.
