નવીદિલ્હી
લોકપ્રિય ‘અમૂલ’ બ્રાન્ડનું નામ તો તમે જરૂરથી સાંભળ્યું જ હશે. જ્યારે વાત કોઇ પણ ડેરી પ્રોડક્ટની આવે ત્યારે સૌથી પહેલા આ બ્રાન્ડ આપણા મગજમાં આવે છે. પરંતુ એક વાત તમે નહીં જાણતા હોવ કે, અમૂલ ડો.વર્ગીસ કુરિયનની ભેટ છે. ભારત એક સમયે દૂધની અછત સામે ઝઝૂમી રહ્યું હતું. પરંતુ તેઓએ ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડૉ. વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના જનક અને ‘મિલ્કમેન ઑફ ઇન્ડિયા’ તરીકે મશહૂર થયા હતા. તે ડો. કુરિયન જ હતા જેમણે દેશમાં શ્વેત ક્રાંતિ લાવી હતી. એટલું જ નહીં કુરિયન દુનિયાના પહેલા એવા વ્યક્તિ હતા, જેણે ભેંસના દૂધમાંથી પાઉડર બનાવ્યો હતો. પહેલાં ગાયના દૂધમાંથી જ પાઉડર બનતો હતો. ડો.વર્ગીસ કુરિયનનો જન્મ કેરળના કોઝિકોડમાં થયો હતો. તેમનો જન્મ નવેમ્બર ૧૯૨૧માં સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ ૧૯૪૦માં લોયલા કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ તેમણે ચેન્નાઈની ગિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી મેળવી હતી. આ પછી જ ડો. વર્ગિસ કુરિયનને ભારત સરકાર તરફથી શિષ્યવૃત્તિ પણ મળી હતી. તેમને ડેરી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળી હતી. ૧૯૪૮માં ડૉ. વર્ગિસ કુરિયને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમાં કુરિયનનો એક વિષય ડેરી એન્જિનિયરિંગનો હતો. ડો. વર્ગિસ કુરિયને ૧૪ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (કે.જી.સી.એમ.પી.ડબલ્યુ)નો પાયો નાંખ્યો હતો. ત્રિભુવનદાસ પટેલ તેના સ્થાપક અને અધ્યક્ષ બન્યા. ડો.કુરિયન આ સમિતિનું નામ થોડું ટૂંકાવવા માંગતા હતા. આ અંગે એક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કર્મચારીઓએ એક ‘અમૂલ્ય’ નામ સૂચવ્યું, જેનો અર્થ થાય છે ‘અનમોલ’. પાછળથી આ સહકારી મંડળીનું નામ ‘અમૂલ’ પડ્યું. તે દરમિયાન અમૂલે ઘણી સફળતા મેળવી હતી. ૧૯૬૫માં મળેલી આ સફળતાને જાેઈને વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આ મોડલને અન્ય સ્થળો સુધી પહોંચાડવાનો ર્નિણય કર્યો હતો. ત્યાર બાદ નેશનલ મિલ્ક ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી)ની રચના કરવામાં આવી હતી. ડો. કુરિયનને આ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઓપરેશન ફ્લડ કાર્યક્રમની શરૂઆત ૧૯૭૦માં થઈ હતી. ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોના વિકાસમાં તેણે ઘણો સહયોગ પૂરો પાડ્યો હતો. તેણે તેને તેના વ્યવસાય પર સંપૂર્ણ નિયંત્રણ આપ્યું. નેશનલ મિલ્ક ગ્રીડ ૭૦૦થી વધુ શહેરો અને નગરોના ગ્રાહકો સાથે દેશના દૂધ ઉત્પાદકોને જાેડે છે. તેમણે જ અમૂલની સ્થાપના કરી હતી. તેની શરૂઆતથી જ એવું કહેવામાં આવતું હતું કે ભારતમાં દૂધની નદીઓ વહેવા લાગી હતી. હવે તેના જીવન પર નજર કરીએ. તેના જીવન સાથે જાેડાયેલી એક રસપ્રદ વાત જાણીને તમે ચોંકી જશો. ભારતમાં શ્વેત ક્રાંતિના ‘પિતામહ’ અને ‘ભારતના મિલ્કમેન’ તરીકે જાણીતા ડો. વર્ગિસ કુરિયને પોતે દૂધ પીધું ન હતું. તેણે કહ્યું કે મને દૂધ પસંદ નથી એટલે હું દૂધ પીતો નથી.
