નવીદિલ્હી
અન્ય દેશથી નેતાઓ આવવાની સ્થિતિ બદલાઈ જતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે કોલ્હાપુરમાં આયોજિત સંકલ્પ યાત્રામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ એનસીપી દ્વારા વીડિયો બહાર પાડીને સંકેત અપાયા હતા કે રેલીમાં તમામ વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. શરદ પવારે બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનના ગુજરાત પ્રવાસ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિમ્હા હાવ, મનમોહન સિંહ બધાનો કાર્યકાળ જાેયો છે. જ્યારે કોઈ અન્ય દેશથી નેતાઓ આવતા હતા તો તેઓ દિલ્હી આવતા હતા. હૈદરાબાદ કે પછી કોલકાતા જતા હતા પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હવે જે પણ આવે છે તે કહેવા માટે તો હિન્દુસ્તાન આવે છે પરંતુ જાય છે ફક્ત ગુજરાત. તેમણે ભારપૂર્વક કહ્યું કે સત્તા આવતી જતી રહે છે પરંતુ તે મગજમાં ચડવી જાેઈએ નહીં. આ દરમિયાન તેમણે દિલ્હીના ઘટનાક્રમનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ‘દિલ્હીની સત્તા કેજરીવાલ પાસે છે પરંતુ ગૃહ મંત્રાલય તો ભાજપ પાસે છે. જેની પાસે જે જવાબદારી છે તે ઠીકથી નિભાવી શક્યા નથી. તેનાથી દેશમાં અસ્થિરતાની ભાવના ઉછરે છે.’ શરદ પવારે કહ્યું કે સત્તાનો દુરઉપયોગ થવો જાેઈએ નહીં. આજકાલ ઈડી, સીબીઆઈ અને અન્ય એજન્સીઓ દ્વારા વિરોધીઓ પર દબાણ બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. એનસીપીના બે સહયોગીઓને જેલમાં નાખ્યા છે. નવાબ મલિક અને અનિલ દેશમુખને નકલી કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મલિકે ૨૦ વર્ષ પહેલા જમીન લીધી હતી પરંતુ તેમાં કમી કાઢીને ફસાવવામાં આવ્યા. આ સંકલ્પ યાત્રા દરમિયાન પવારે એમ પણ કહ્યું કે તેઓ શિવાજી, શાહુ, ફૂલેનું નામ લેતા નથી એટલે તેમને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા. યાત્રા દરમિયાન એનસીપીને ૨૦૨૪ સુધીમાં નંબર વન પાર્ટી બનવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સંકલ્પ યાત્રાને સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે આજે સમાજનું ચિત્ર અલગ જાેવા મળે છે. લોકોને લડાવવાનું ષડયંત્ર ચાલુ છે. કોલ્હાપુરમાં આયોજિત થયેલી આ સંકલ્પ યાત્રામાં એનસીપી પ્રમુખ શરદ પવાર ઉપરાંત અજિત પવાર, છગન ભૂજબળ, સુપ્રિયા સૂલે, હસન મુશરિફ, જયંત પાટિલ અને રાજેશ ટોપે સહિત એનસીપી કોટાના મંત્રીઓ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.