Gujarat

કવાંટ તાલુકામાં આવેલ રામી ડેમ  રેડ એલર્ટ પર હોઇ ૬૩૦ લોકોનું સ્થળાંતર કરાયું 

છોટાઉદેપુર જિલ્લામાં ગત રોજ અનરાધાર વરસેલા વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ રામી ડેમ હાઇ એલર્ટ પર મુકાતા નિચાણવાળા વિસ્તારના આઠ ગામોમાંથી ૬૩૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે.
જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં ગત રોજ ભારે વરસાદ થતા કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમમાં પાણીની સારી આવક થવાના પગલે ડેમને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને અગમચેતીના પગલા રૂપે રામી ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા આઠ ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રામી ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા આઠ ગામોના ૬૩૦ લોકોને ઉપરવાસમાં રહેતા તેમના સગા સંબંધીના ઘરે ખસેડવામાં આવ્યા  હોવાનું જણાવાયું છે.
હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાના નાગરિકોને સતર્ક રહેવા તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓને અનુસરવા તેમજ અફવાઓથી દોરવાઇ ન જવા માટે જિલ્લા કલેકટર  સ્તૂતિ ચારણ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *