ગાંધીનગર
ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલની વિવેકાધીન ગ્રાન્ટમાંથી લાખોના ખર્ચે આશરે ૧૨ હજારથી વધુ ખુરશીઓ ખરીદવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન કોર્પોરેશન દ્વારા પૂર્વ મેયરની ગ્રાન્ટમાંથી બાર હજાર ખુરશીની ખરીદી કરાઈ હતી. એક ખુરશી દીઠ ૫૦૦ના ભાવે આશરે રૂ. ૬૦ લાખના ખર્ચે યુદ્ધના ધોરણે ખુરશીની ખરીદી કરી લેવાઈ હતી. જે પૈકીની કેટલીક ખુરશીઓ સેકટર – ૨૧ ખાતેની નર્સરીમાં મૂકવામાં આવી હતી. આ અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ રાતોરાત ખુરશીઓ ખસેડી દેવાઈ હતી. બાદમાં આ ખુરશીઓ સેકટર – ૧૧ ખાતે આવેલા પૂર્વ મેયરના વિવાદાસ્પદ બિલ્ડિંગ માં જાેવા મળી હતી . ત્યારે અચાનક ખુરશીને પગ ક્યાંથી આવ્યા તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. સે-૨૧ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલી નર્સરીના દરવાજા પર અને મિનિ કમલમ તરીકે ઓળખાતા રાયસણ ખાતેના પાર્ટી પ્લોટમાં મેયરની ગ્રાન્ટમાંથી ખરીદાયેલી સેંકડો ખુરશીઓ જાેવા મળી હતી. ત્યારે સે-૧૧ ખાતે આવેલા પૂર્વ મેયરના વિવાદાસ્પદ બિલ્ડિંગના બેઝમેન્ટમાં પણ ખુરશીઓ અડીંગો જાેવા જાેવા મળ્યો હતો. મેયરને વાર્ષિક રૂ.બે કરોડના કામ ગ્રાન્ટમાંથી હાથ ધરવા માટે ભલામણ કરવાની સત્તા છે. જેમાંથી રૂ.૧.૭૫ કરોડ કેપિટલ કામમા વાપરી શકાય છે, એટલે કે તેનો ઉપયોગ રોડ, ગટર જેવા માળખાકીય સુવિધાના કામમાં થઈ શકે છે. રેવન્યુ ગ્રાન્ટમાં રૂ. ૨૫ લાખની રકમ ફાળવવામાં આવી છે. આમ, આટલી બધી ખુરશીઓ માટે કઈ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો તે મોટો સવાલ છે અને કદાચ એટલે જ પૂર્વ સ્થાયી સમિતી ચેરમેનને પણ ગ્રાન્ટનો હિસાબ આપવામાં તંત્ર આનાકાની કરી રહ્યું છે. બીજી તરફ પૂર્વ મેયરના કથિત ગેરકાયદેસર સ્કાય લાઈન બિલ્ડીંગ મામલે હાઈકોર્ટે લાલ આંખ કરતાં નાછૂટકે કોર્પોરેશન તંત્રએ નોટિસ આપ્યા પછી બિલ્ડિંગના ઉપરના ચાર માળને સીલ મારીને સંતોષ માની લેવાયો છે. ત્યારે અચાનક જ ગાયબ થયેલી ખુરશીઓને ફરી પગ આયા હોય એમ કોર્પોરેશનની સ્ટોર શાખામાં આવી જતાં ફરી વિવાદને વંટોળ મળી ગયો છે.ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલની વિવેકાધીન ગ્રાન્ટમાંથી ખરીદાયેલી ગાયબ ખુરશીઓને ફરી પાછા પગ આવ્યા હોય એમ કોર્પોરેશનની સ્ટોર શાખામાં પરત આવી જતાં કુતૂહલ સર્જાયું છે. નોંધનીય છે કે, થોડા વખત અગાઉ ગાયબ થયેલી ખુરશીઓ પૂર્વ મેયરના કથિત ગેરકાયદેસર બિલ્ડીંગનાં ભોંયરામાં જાેવા મળતાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.


