Gujarat

ગાંધીનગર વિજિલન્સ ટીમે રાજકોટ પોલીસની ટીમને રેડ કરતા પુછપરછ કરી

રાજકોટ
અમદાવાદથી દારૂ ભરેલી ટ્રક નીકળ્યાની માહિતી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઇ ભાવના કડછા અને તેની ટીમના સુભાષ ગોરી, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દેવા ધરજિયા સહિતની ટીમ ખાનગી કારમાં સાયલા પહોંચી ગઇ હતી, નિયત નંબર વાળી ટ્રક નજરે ચડતાં જ રાજકોટની આ ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો, ટ્રક સાયલાના આયા ગામ તરફ વળતા પીછો કરી રહેલી રાજકોટ પોલીસની ટીમને દારૂનું કટિંગ થઇ જશે તેવી શંકા ઉઠતાં જ ટ્રકને આંતરી હતી. ટ્રકની તલાશી લેતા અંદરથી ૪૦૦થી વધુ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ ભરેલી ટ્રક સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી મળતા રાજકોટ પોલીસે સાયલા પોલીસને નિયમાનુસાર જાણ કરવાની હતી પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમનો બદઇરાદો હોવાના કારણે ટ્રકનું ડ્રાઇવર સહિત અપહરણ કર્યું હતું, એક પોલીસમેન ટ્રકમાં બેસી ગયો હતો અને અન્ય સ્ટાફ કારમાં રાજકોટ તરફ દારૂ ભરેલી ટ્રકનું પાઇલોટિંગ કરી રહ્યા હતા. ટ્રક રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તાર માલિયાસણ નજીક એક હોટેલ પાસે પહોંચી હતી ત્યારે હોટેલ નજીક ટ્રક રોકી દેવાઇ હતી અને અંદાજે અઢીકલાક સુધી ત્યાં વહીવટ શરૂ કરવામાં આવ્યો હતો, તે વખતે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી, ખાનગી કારમાં બેઠેલા પોલીસ સ્ટાફની સ્ટેટ મોનિટરિંગ સેલે પૃચ્છા કરતા તેમણે શરૂઆતમાં તો ક્રાઇમ બ્રાંચ તેવો રોફ જમાવ્યો હતો પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે પોતાની ઓળખ આપતા રાજકોટ પોલીસ ટીમને પરસેવો છૂટી ગયો હતો, સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દારૂ ભરેલી ટ્રકના ડ્રાઇવર બાડમેરના જગદીશ ઉદેરામ મારવાડીની પૂછપરછ કરતા તેણે વટાણાવેરી નાખ્યા હતા અને રાજકોટ પોલીસે સાયલાથી તેને પકડ્યાની તથા દારૂનો જથ્થો કુખ્યાત બૂટલેગર સૌરભ ચંદારાણાનો હોવાની કબૂલાત આપી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે સેલમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા કડક અધિકારી નિર્લિપ્તરાયને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા તેમણે દારૂ ભરેલી ટ્રક અને ત્યાંથી મળી આવેલા રાજકોટ પોલીસના સ્ટાફને સાયલા પોલીસમથકે લઇ જવાની સૂચના આપતા રાજકોટ ક્રાઇમ બ્રાંચના સ્ટાફની હાલત કફોડી બની ગઇ હતી. દારૂ ભરેલી ટ્રક અને ક્રાઇમ બ્રાંચની ટીમને સાયલા પોલીસમથકે લઇ જવાયા હતા, આ મામલે સાયલાથી દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરી લઇ જવા અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. ગાંધીનગર વિજિલન્સ ટીમના ડીવાયએસપી કે.ટી.કામરિયાના જણાવ્યા મુજબ સાયલાના આયા પાસેથી ચોરખાનામાં ૩૯૪ પેટી દારૂ ભરેલી ટ્રકને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ભાવનાબેન કડછા, દેવાભાઇ ધરજિયા, ક્રિપાલસિંહ અને ઉપેન્દ્રસિંહ સહિત પોલીસકર્મીઓ લઇને મોરબી બાયપાસ પાસે પહોંચ્યા હતા. તે સમયે ગાંધીનગરની વિજિલન્સ ટીમે ટ્રક અને રાજકોટ પોલીસ અધિકારીને ઝડપી લઇ પૂછપરછ કરતા કોઇ ઉપરી અધિકારીને જાણ કર્યા વગર કે કોઇ પંચના વ્યક્તિને સાથે રાખ્યા સિવાય દારૂ ભરેલી ટ્રક રાજકોટ તરફ લઇ જતા હોવાના શંકાના દાયરામાં આવ્યા હતા. આ બાબતે વધુ તપાસ હાથ ધરીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. સોમવારે મોડી રાત સુધી આ અંગેની કાર્યવાહી ચાલુ રહી હતી.રાજકોટ ક્રાઇમ બ્રાંચ ફરી એક વખત વિવાદમાં સપડાઇ છે. પોતાની હદ ન હોવા છતાં છેક સાયલા સુધી જઇ દારૂ ભરેલું ટેન્કર રાજકોટ લઇ આવવાની કોશિશ કરી હતી. બનેલી આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ પણ દારૂ પકડવા પહોંચી જતાં સનસનીખેજ વિગતો બહાર આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *