નવસારી
સુરતમાં રહેતા ૪૫ વર્ષીય વિરલ દાલિયાની વારસાગત જમીન દાનમાં આપી હોય તેમને ખેડૂત તરીકે નામ ચાલુ રાખવા માટે ખેતીલાયક જમીન ખરીદવાની ઇચ્છા હતી જેથી કોઈક મિત્ર દ્વારા સુરતની મેઘના પટેલ અને શૈલેષ શાહનો સંપર્ક કર્યો હતો. જેમણે નવસારી જિલ્લાની ચીખલી તાલુકામાં આવેલી માલિયાધરા ગામમાં રહેતા દેવાભાઇ લાડની ૬૯૪૬ ચોરસ મીટર જમીન વેચાણ આપવાની હોય તેવી વાત કરી હતી. જમીન માલિકને જમીનની કિંમત કરતાં વધુ રૂપિયા એટલે કે આશરે ૯૦ લાખ રૂપિયાની વાત કરી હતી તો બીજી તરફ ખરીદનાર વિરલ દાલીયાને જમીનની મૂળ કિંમત ૪૫થી ૫૦ લાખ રૂપિયા હોય પણ જમીન માલિકને પૈસાની જરૂર હોવાથી તેમને બાર થી તેર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. જેમાં સોદો થયા બાદ જમીનના વેચાણનું દસ્તાવેજ થયું હતું. આ સમગ્ર મામલે દસ્તાવેજ બનાવ્યા બાદ અસલ દસ્તાવેજ મેઘના પટેલ પાસે હતો. જમીન ખરીદનારા વિરલ દાલિયા પાસેથી મેઘના શાહએ વધુ પાંચ લાખની માગણી કરી ત્યારબાદ જ અસલ દસ્તાવેજ મળશે તેવી વાત કહી હતી. જેમાં પતાવટ કરતા બે લાખમાં મામલો પત્યા બાદ મેઘના પટેલે અસલ દસ્તાવેજ આપ્યું હતું. પરંતુ મેઘના પટેલ અને તેના સાથીદારોએ વધુ પૈસાની માંગણી કરવા સાથે વિરલ દાલીયા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જમીન લેનાર વિરલ દાલિયાએ ચીખલી મથકે છેતરપિંડી અને ધાક ધમકી આપવા અંગે ગુનો રજીસ્ટર કરતા પોલીસે મેઘના પટેલ અને શૈલેષ શાહની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપી સિકંદર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ જમીન વેચનાર દેવાભાઈ લાડના પુત્ર ભરત પાસેથી દસ્તાવેજના મળેલા ૧૨ લાખ ૮૦ હજારની સામે ૭ લાખ ૮૦ હજારનો ચેક મેઘના પટેલ આણી મંડળીએ જમીન વેચનાર પાસેથી લઈ ગયા હતા. તેમજ ધાક ધમકી આપી હતી કે, જાે પોલીસના દાદર ચડ્યા છે તો ભારે પડશે અને મેઘનાબેન કોંગ્રેસના આગેવાન છે એટલે અમારું કોઈ કંઈ બગાડી શકે તેમ નથી. આ સમગ્ર કેસમાં જમીન વેચાતી લેનાર અને જમીન વેચનાર પૈસા મેળવવામાં અને ચૂકવવામાં સીધો ભોગ બન્યા હોય આગામી સમયમાં જમીન વેચાણ આપનારા પણ ફરિયાદ કરી શકે તેવી સંભાવના છે. હાલમાં ચીખલી પોલીસે મેઘના પટેલ અને અન્ય એક આરોપી શૈલેષ શાહના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ આદરી છે. નવસારી જિલ્લા અને હાઈવેને ટચ સોનાના લગડી સમાન જમીનના ખરીદ-વેચાણમાં સુરતના ભૂ માફિયાઓ સતત સક્રિય રહીને કરોડો પડાવવાનો ખેલ અનેક સમયથી કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને એક્સપ્રેસ હાઇવે પ્રોજેકટમાં જિલ્લામાંથી જમીનની છેતરપિંડીને લઈને નાની-મોટી ૭૦૦ અરજીઓ પોલીસને મળી છે. તેની તપાસની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ફરિવાર જમીનની છેતરપિંડીનો અન્ય એક કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં સુરત શહેરમા જમીનના અને અન્ય ૬ થી વધુ વિવિધ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલી મૂળ સુરતની અને પ્રદેશ કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ મેઘના પટેલ સહિત એક ઈસમની ધરપકડ ચીખલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ચીખલીમાં જમીનના સોદામાં પણ તેઓએ છેતરપિંડી કરી હતી.
