જામનગર
જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતાં ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા નામના વૃદ્ધ ગઈકાલે શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃદ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વાલાભાઈ ભરવાડ દ્વારા જાણ કરાતા પીઆઈ એમ. જે. જલુ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે કયા કારણોસર વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. ઉપરાંત ઘટનાસ્થળની આજુબાજુમાં પણ લોકોની પુછપરછ કરી હત્યારાઓનું સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.જામનગર શહેર નજીક હાપા માર્કેટીંગ યાર્ડ પાછળના જરોઘોડા વાડી વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સાંજના સમયે ઘેટા-બકરા ચરાવતા વૃદ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો વડે માથામાં અને આંખ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ તેની હત્યા નીપજાવી હતી, જેથી પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જાે સંભાળી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.


