સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં જનતા ગેરેજ દ્વારા જૂનાગઢ શહેરના નાગરિકોના પ્રાણ પ્રશ્નો બાબતે અવાર નવાર સંબંધિત કચેરીના વડાઓને યથા યોગ્ય રજૂઆત કરવામાં આવે છે, તેનાથી સૌ પરિચિત છે તે ઉપરાંત સમાજ સેવાના પણ અનેક કાર્ય કરવામાં આવે છે અને કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગા માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી હાલમાં જૂનાગઢમાં જનતા ગેરેજના મિત્રો દ્વારા ” પ્રોજેક્ટ સ્માઈલ ” અંતર્ગત જુનાગઢની વિવિધ સરકારી શાળાનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તા.૧૩/૯/૨૨ ના રોજ જનતા ગેરેજના કાર્યકર મિત્રો દ્વારા જૂનાગઢ શહેરની દોલતપરા પ્રાથમિક શાળા, ગ્રામોદ્યોગ મંદીર પ્રાથમિક શાળા, ખામધોલ પ્રાથમિક શાળા, ઝાંઝરડા પ્રાથમિક શાળા, સાબલપુર પ્રાથમિક શાળા, સરગવાળા પ્રાથમિક શાળા, સરદારપરા પ્રાથમિક શાળા તેમજ કુમાર શાળા નં.૬ તેમજ વિવિધ સરકારી શાળામાં અભ્યાસ કરતા આશરે ૪૦૦૦ કરતા વધુ બાળકોને ફૂલસ્કેપ ચોપડા, બોલપેન, પેન્સિલ, સંચો, ચેક રબર, ફૂટપટ્ટી જેવી વસ્તુઓ કે જે વિધાર્થીઓને અભ્યાસમાં વધુ ઉપયોગી થાય તેવી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ માટે જનતા ગેરેજના મિત્રો અને દાતાશ્રીઓના સહકારથી જુનાગઢની મોટાભાગની સરકારી શાળાઓનાં વિધાર્થીઓ સુધી આ પ્રોજેક્ટ સ્માઈલ કીટ પહોચતી કરવામાં આવી રહી છે.
સરકારી શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો જનતા ગેરેજની આ સુંદર કામગીરીને બિરદાવી રહ્યા છે અને ખાસ તો સરકારી શાળાની જ પસંદગી કરવા બદલ આભાર પણ વ્યકત કરી રહ્યા છે. કારણ કે સરકારી શાળાઓનાં વિધાર્થીઓને આવી કિટની વધુ આવશ્યકતા હોય છે. આ કીટ વિતરણ દરમિયાન બાળકોના ચેહરા પર પણ આવેલી ખુશી જોઈને પ્રોજેક્ટ સ્માઈલને સફળતા મળી હોવાનું જણાવ્યુ હતુ વિશેષમાં આયોજકો એવા જનતા ગેરેજના શ્રી નિલેશભાઈ દેવાણી, નરેન્દ્રભાઇ સોનરત, પિયુષભાઈ વાજા અજીતસિંહ ભાટી, જીગ્નેશભાઈ મકવાણા, ભદ્રેશભાઈ સોલંકી, પરેશભાઈ લોઢીયા તેમજ જયેશ વૈશ બધા સાથે મળીને સમાજ માટે કંઇક સારું કાર્ય કર્યું હોવાની અનુભૂતિ થઈ હોવાનું પણ જણાવ્યું હતું.
