રાજકોટ
જેતપુરના દાસી જીવણપરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદરની કેનાલમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં સાધુ જેવા દેખાતા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જેતપુર પોલીસ દોડી જઈ ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિની હત્યા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે. અજાણ્યા શખસોએ હત્યા કરી હાથ-પગ બાંધી મૃતદેહ ભાદર નદીમાં ફેંકી દીધાનું જાણવા મળ્યું છે. પ્રથમ દૃષ્ટિએ જાેવા જઇએ તો કોઇ પણ વ્યક્તિ પોતાના હાથ-પગ બાંધીને કેનાલમાં ઝંપલાવે તે શક્ય નથી. આથી અજાણ્યા શખસોએ પહેલા આ વ્યક્તિની હત્યા કરી હોય અને બાદમાં હાથ-પગ બાંધી મૃતદેહ ભાદર નદીમાં ફેંકી દીધો હોય તેવું પોલીસ તપાસમાં સ્પષ્ટ થાય છે. પોલીસે સ્થાનિક ફાયરબ્રિગેડને આ જાણ કરીને ઘટનાસ્થળે દોડી જઈ કેનાલમાંથી મૃતદેહને બહાર કઢાવીને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે મૃતક વ્યક્તિની ઓળખ હજી સુધી થઇ નથી. આથી પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. મૃતકે ભગવા કલરની ધોતી પહેરી હોવાથી સાધુ હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી સ્થાનિક પોલીસે આજુબાજુના ડેરી, મંદિરોમાં તપાસ હાથ ધરી છે. સાધુની હત્યા કરવામાં આવી છે તેમાં કોણ કોણ સંડોવાયેલું છે, શા માટે હત્યા કરવામાં આવી તે અંગે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. થોડા સમય પહેલાં પણ ભાદર કેનાલમાંથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. જાેકે તેમાં અકસ્માતે ગબડી પડવાથી પ્રૌઢનું મોત થયાનું તારણ નીકળ્યું હતું.
