કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલી બે વ્યક્તિઓની NDRF ની ટીમ દ્વારા શોધખોળની કામગીરી સતત જારી : હજી સુધી કોઈ ભાળ મળેલ નથી
———-
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લામાં અસરગ્રસ્તો માટેની રાહત બચાવ તેમજ જરૂરી સર્વે-સહાયની દિશામાં થઈ રહેલી ઝડપી કાર્યવાહી
———-
રાજપીપલા શહેર અને જિલ્લામાં ગઈકાલે અંદાજે કુલ ૮૯૭૫ જેટલી વ્યક્તિઓના કરાયેલા સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્તો તેમના રહેઠાણોમાં પુન: પરત : તમામને ભોજન-ફૂડ પેકેટની વહિવટી તંત્ર દ્વારા પુરી પડાયેલી વ્યવસ્થા
———-
નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહેસૂલ, પંચાયત, પોલીસ અને વન વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિતની કુલ-૩૪ રેસ્ક્યુ ટીમ ઉપરાંત SDRF ની ૦૪ તથા NDRF ની ૦૧ ટીમ પણ કાર્યરત છે. રાજપીપલા નગરપાલિકા વિસ્તારના જુના કોટ સ્મશાન વિસ્તાર, સરકારી ઓવારા, હેલીપેડ વગેરે જેવા વિસ્તારોમાંથી NDRF અને SDRF ટીમની સહયતાથી ૨૫ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે. રાજપીપલા શહેર અને જિલ્લામાં ગઈકાલે અંદાજે કુલ ૮૯૭૫ જેટલી વ્યક્તિઓના કરાયેલા સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્તો તેમના રહેઠાણોમાં પુન: પરત ફરેલ છે અને આ તમામ અસરગ્રસ્તોને ભોજન-ફૂડ પેકેટની વ્યવસ્થા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પુરી પડાઈ હતી.
તદ્ઉપરાંત, ગઈકાલે કરજણ ડેમની પાછળના ભાગમાં ફરવા ગયેલા ૦૨ વ્યક્તિઓ કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતાં મૃત્યુ પામેલ છે. NDRF ની ટીમ દ્વારા તેમની શોધખોળ કરતાં તેઓના મૃતદેહો મળી આવેલ નથી અને હાલમાં પણ તેમની શોધખોળની કામગીરી ચાલી રહી છે. જ્યારે જિલ્લાના તમામ ગામોમાં પાણી પુરવઠો કાર્યરત છે.
જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદને લીધે ૦૮ જેટલાં વૃક્ષો (ઝાડ) પડવાની બાબત નોંધાઈ હતી, જે અવરોધો દૂર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવેલ છે. જ્યારે પોઈચા-૧૧ કેવી, ઘાટા ૧૧ કેવી અને રામપુરા સબસ્ટેશનના વીજ પોલ ઝૂકી જવાથી વિજપુરવઠામાં પડેલા વિક્ષેપને દૂર કરી ઉક્ત તમામ વિજપુરવઠો પુન:કાર્યરત કરાયેલ છે.
ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના મોવી-દેડીયાપાડા સ્ટેટ હાઈવે મોવીથી ૫૦૦ મીટર દૂર નાળૂ તૂટી ગયેલ હોવાથી આ રસ્તો અવર-જવર માટે બંધ કરેલ છે જેના વિકલ્પમાં વૈકલ્પિક માર્ગ તરીકે મોટી ભમરી-બિતાડા-દેડીયાપાડા અને રાજપીપલા-મોવી-નેત્રંગ-દેડીયાપાડાનું ડાયવર્ઝન અપાયેલ છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નાંદોદ તાલુકાના-૦૬, દેડીયાપાડા તાલુકાના-૦૮, સાગબારા તાલુકાના-૦૨, તિલકવાડા તાલુકાના-૦૫, ગરૂડેશ્વર તાલુકાના-૦૮ રસ્તાઓ બંધ થયેલ હતા, જે આજે તા.૧૨ મી જુલાઈના રોજ તમામ રસ્તાઓ સંભવત: પુન: ચાલુ થઈ જાય તે રીતની કામગીરી ઝડપભેર થઈ રહી છે. તદ્ઉપરાંત દેડીયાપાડા તાલુકાના-૦૩ કોઝ-વે તૂટી ગયેલ હોઈ, તેની દુરસ્તી કામગીરી હાલમાં ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. જ્યારે ગરૂડેશ્વરમાં-૦૫, તિલકવાડામાં-૦૨, દેડીયાપાડામાં-૦૧ અને સાગબારા તાલુકામાં-૦૧ સહિત જિલ્લામાં કુલ-૦૯ જેટલા કોઝવે ઓવરટેપીંગ થવા પામેલ હોવાની જાણકારી જિલ્લા નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થઈ છે.


