નવસારી
ખેરગામ તાલુકાના રુમલા ગામ પાસે એસાર કંપનીનો પેટ્રોલ પંપ આવ્યો છે. જે કશ્યપ દેસાઈની માલિકીનો છે. આ પેટ્રોલ પમ્પ ઘણા સમયથી બંધ છે તેનો લાભ ઉઠાવી પંપના જ કર્મચારીએ રાત્રિના સમયે ડીઝલની વિશાળ ટાંકીમાં મોટર નાખીને ૧૧૨૦ લીટર ડીઝલની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ સંચાલકને થતાં ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં કર્મચારીએ ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું. કર્મચારીએ ડિજિટલ ફૂટ પ્રિન્ટ ન આવે તે માટે સી.સી. ટી.વી માં પણ છેડછાડ કરી હતી. સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ અનેક વાર સંસ્થાના વિશ્વાસનો લાભ ઉઠાવી ચોરી અથવા ઉચાપત કરતા હોય છે. એવો જ એક બનાવ નવસારી જિલ્લાના રુમલા વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં કામ કરતા કર્મચારીએ દારૂ પીવાની લત હોવાને કારણે પૈસાની તંગી ઉભી થતા ફરજ પર રાત્રિના સમયે ડિઝલની ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. દાદરા નગર હવેલીમાં રહેતા કશ્યપ દેસાઈનો પેટ્રોલ પંપ રુમલા નહેર પાસે આવ્યો છે. એસાર કંપનીનો આ પેટ્રોલ પંપ ન્યારા કંપનીમાં ફેરવાતા છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં હતો. ત્યારે ત્યાં ફરજ બજાવતા જીગ્નેશ પટેલ દ્વારા ૮મી ફેબ્રુઆરીના રોજ પંપ પર આવેલી ડીઝલની ટાંકીમાંથી ૧૧૨૦ લિટર જેટલું ડીઝલની ચોરી કરી હતી. કંપનીના માલીકને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ડીઝલનો સ્ટોક અંગે તફાવત જણાતા તેમણે પંપ પર આવીને આ મામલે તપાસ કરી હતી. જેમાં ડીઝલની ચોરી થઈ હોવાનું ફલિત થયું હતું. જેથી રાત્રિના સમયે પંપ પર હાજર આશિષ પટેલની પૂછતાછ કરી હતી. તેણે પ્રથમ જે તે સમયે ફરજ પર હાજર હોવાનું કહ્યું હતું. જાેકે, ત્યારબાદ પોલીસ ફરિયાદની વાત સામે આવતા તેણે વાત ફેરવી નાખી હતી અને પેટ્રોલ પંપ પર ચોરી થઈ તે સમયે હાજર ન હોવાનું કહ્યુ હતું. જેથી પંપના માલિક કશ્યપ દેસાઈ દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ચોરીની ફરિયાદ આપતા શંકાના આધારે પોલીસે કર્મચારીની પુછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું.


