પોરબંદર
પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાને સાંજે અચાનક ફાયરિંગ કરતા બે જવાનનાં મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા. પોરબંદર જિલ્લામાં ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની બે ટુકડીને પોરબંદરમાં નવીબંદર સાઇક્લોન સેન્ટર ખાતે રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ બે ટુકડીના મણિપુરના ૧૬૦ જવાન જ આવી પહોંચ્યા હતા. આઈઆરબીની થર્ડ અને ફોર્થ બટાલિયનના જવાનો સાંજે સાઇક્લોન સેન્ટરમાં પોતપોતાના કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે થર્ડ બટાલિયનનો જવાન એસ. ઇનાઉયાશિંઘે સાઇક્લોન સેન્ટરની બહારની સાઇડમાંથી અંદર ઘૂસી આવ્યો હતો અને બીજા જવાનો કશું સમજે તે પહેલાં અચાનક પોતાની એકે ૪૭ રાઇફલમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ જવાને પોતાની ૩૦ કાર્ટ્રિઝની મેગઝિનવાળી રાઇફલમાંથી વન-વન શોટ ફાયરિંગ કર્યા હતા અને અંદાજે ૧૦થી ૧૫ રાઉન્ડ ફાયરિંગ કર્યાનું ત્યાં નજરે જાેનારા અન્ય જવાનોએ જણાવ્યું હતું. ઘટનાને નજરે જાેનારા જવાનોએ જણાવ્યું કે, ફાયરિંગ કરનારે કોઈ ટાર્ગેટ ફાયરિંગ કર્યું ન હતું, પરંતુ આડેધડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં થર્ડ બટાલિયનના બે જવાન થોઇબા સિંઘ (ઉં.૩૮), જિતેન્દ્રસિંઘ ખુમાન થેમ (ઉં.૫૦)નું મોત નીપજ્યું હતું. જ્યારે રોહિકાના (ઉં.૩૫) નામના જવાનને પગમાં ગોળી વાગતાં અને ૩૪ વર્ષીય ચોરાજિતને પેટમાં ગોળી વાગતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બંને ઘાયલ જવાનોને વધુ સારવાર માટે જામનગર મોકલવામાં આવ્યા હતા.


