Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 અંતર્ગત વર્ચ્યુઅલ બ્રિફિંગ યોજાઈ

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

પ્રવર્તમાન પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓ અને અગવડતાઓ નિવારવાનોઃ મુખ્યમંત્રી
————
કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં અધિકારીશ્રીઓએ પ્રવેશોત્સવ અંગે મુખ્યમંત્રીશ્રીનું જીવંત સંબોધન નિહાળ્યું
ગીર-સોમનાથ. તા ૨૦: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી શાળા પ્રવેશોત્સવની વર્ચ્યુઅલ બ્રિફિંગ યોજાઈ હતી. જેના ભાગરૂપે ગીરસોમનાથ કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ઈણાજ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, તારીખ ૨૩,૨૪ અને ૨૫મી જૂનના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨/૨૩ નો શાળા મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાનાર છે. જેની સાથે જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ પણ આવરી લેવાયો છે.
વર્ચ્યુઅલ સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર સરકારનો એક વિભાગ નથી પણ કેળવણીની એક શાખા છે, આવ પ્રકલ્પ સાથે શિક્ષણનો પાયો મજબૂત કરવાનું કામ સરકાર કરી રહી છે. ભલે કોરોનાકાળમાં શિક્ષણની ગતિ થોડી ધીમી પડી હોય પરંતુ હવે આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવાની છે. આ પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ કોરોનાકાળના કારણે વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓ અને અગવડતાઓ નિવારવાનો છે. જેથી તેમનું શિક્ષણ વધુ મજબૂત થાય.
રાજ્ય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના કારણે ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે. રાજ્યના વિદ્યાર્થીઓ જ વિકસિત સમાજનું ભવિષ્ય છે. બાળકો શિક્ષિત બને અને એક સારા સમાજનું નિર્માણ થાય તે દિશામાં કામ કરવા માટે જ પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રવેશોત્સવ એ કોરોનાની કપરી પરિસ્થિતિના કારણે જેનો અભ્યાસ છૂટી ગયો હોય તેને ફરી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા માટેનો હેતુ છે. શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં એક ઉત્સવ તરીકે ઉજવવાનો છે તે અનુલક્ષી પ્રવેશોત્સવમાં કરવાની થતી કામગીરી અંગે કલેક્ટરશ્રીએ શીર્ષ અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *