કલેકટર: સુશ્રી સ્તુતિ ચારણ
માણકા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અતિ અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશમાં આવેલા માણકા ગામે જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણની વિશેષ ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું માણકા-3 પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું.
માણકા-3 પ્રાથમિક શાળામાં કાર્યક્રમની શરૂઆતમાં દીપ-પ્રાગટ્ય પછી શાળા આચાર્ય જયેશભાઇ વાલાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ, ‘મનુષ્ય તું બડા મહાન હૈ’ ગીતનું ગાન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. શાળાની બાળકી યોજનાબેન ભીલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પર વક્તવ્ય આપીને અંતરિયાળ વિસ્તારમાં થયેલા વિકાસની ઝાંખી રજૂ કરી હતી.
કલેક્ટરશ્રીએ આંગણવાડીના ભૂલકાઓને અને શાળામાં ધો.૧માં પ્રવેશ લઈ રહેલી ૮ બાળકીઓ સહિત કુલ ૧૭ બાળકોને સ્કૂલકીટ અને ચોકલેટ આપીને પ્રવેશ કરાવ્યો હતો.કાર્યક્રમને સંબોધિત કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આટલા અંતરિયાળ વિસ્તારમાં પણ શાળામાં બાળકોની આટલી બધી હાજરીએ ગામના વાલીઓની શિક્ષણ પ્રત્યેની જાગૃકતા દર્શાવે છે. આવી જ જાગૃકતા બાળકોના આગામી અભ્યાસ માટે દાખવવા સાથે દીકરા- દીકરીઓને સમાન ભાવે આગળ વધાવવામાં અને તેમના ઉજ્જવળ ભાવિમાં સહભાગી થવા વાલીઓને અનુરોધ કર્યો હતો. તેઓએ વધુમાં આગળ બોલતા કહ્યું કે, બાળકોને એમના રસના વિષય તેમજ ખેલકુદ ક્ષેત્રમાં પણ આગળ વધાવવા વાલીઓ સહિત શિક્ષકોએ પણ ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું.
કાર્યક્રમ પછી કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતના તલાટીના દફતર ચકાસણી કરીને એસએમસીના સભ્યો તેમજ વાલીઓ અને ગામલોકો સાથે શાળા અને ગામના સુદ્રઢ વિકાસ અર્થે ગામમાં પાણી, વિજપ્રવાહ, અંતરિયાળ માર્ગો, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રસુતિની સુવિધા, શાળાના ઓરડાઓ તેમજ સેનિટેશન જેવી સુવિધાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પછી તેઓએ શાળામાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
શાળાકીય કાર્યક્રમ પછી કલેક્ટરશ્રીએ ગામમાં આવેલા મીણબત્તી બનાવવાના ગૃહઉધોગની મુલાકાત લઇ મીણથી બનતી વિવિધ વસ્તુઓ અને વિશિષ્ટ પ્રકારના આર્ટિકલને બનવવાની પદ્ધતિ જાણીને પોતાનો હાથ પણ અજમાવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


