વંદે ગુજરાત વિકાસ યાત્રાના બીજા દિવસે કેશોદ તાલુકાના કણેરી ગામમાં પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે કેન્દ્ર- રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કણેરી ગામમાં પેવર બ્લોક, સીસીરોડ સહિતના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ કણેરી ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના આગમનથી ઉત્સાહનો માહોલ છવાયો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વિકાસની યાત્રા અવિરતપણે ચાલી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૧૪ વર્ષ અને પ્રધાનમંત્રીશ્રી તરીકેના આઠ વર્ષના શાસનકાળમાં દેશ અને ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યા છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, પીવાના પાણી માટે નલ સે જલ યોજનાના માધ્યમથી લોકોને ઘર આંગણે પીવાનું પાણી મળી રહ્યું છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી લોકોને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહી છે, શિક્ષણ માટે સુવિધા યુક્ત નવા ઓરડાઓના નિર્માણ સાથે ડિજિટલ શાળાઓ પણ બનાવવામાં આવી રહી છે. ઉપરાંત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અને કાયદાકીય જોગવાઈના માધ્યમથી નક્કર પગલાઓ લેવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ પોતાનું ધારાસભ્ય તરીકેનું સ્વભંડોળ કોરોના મહામારીના કારણે આરોગ્ય સેવાઓ માટે ઉપયોગ કર્યા હોવાનું પણ ઉમેર્યું હતું. આ સાથે કણેરી ગામને તાલુકા મથક સાથે જોડતા રોડ અને કેશોદ ખાતે રેલવે અંડરબ્રિજના નિર્માણના કામોથી લોકોની મોટી હાલાકી દૂર થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદ લાડાણીએ કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી છેવાડાના માનવી વિકાસના કામો કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે કેશોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી દેવાભાઈ ખાંભલા, કેશોદ નગરપાલિકાના કારોબારીના ચેરમેન શ્રી મોહનભાઈ બુટાણી, અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ બારીયા, પ્રવીણભાઈ ભાલાળા, પરબતભાઈ પિઠીયા, કણેરી ગામના સરપંચ શ્રી વજુભાઈ હિંગરાજીયા, પ્રાંત અધિકારી શ્રી ગળસર સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


