Gujarat

વડોદરાના ડોક્ટરે એક્રેફેલાઈટીસની બીમાર કિશોરને નવજીવન આપ્યું

વડોદરા
ગોધરા ખાતે વેજલપુર રોડ ખાતે રહેતા અને લાકડાના વેપાર સાથે સંકળાયેલા મધ્યમ વર્ગીય વસીમભાઇ સુલેમાનભાઇ અબ્દુલસતાર પટેલનો ૧૧ વર્ષનો પુત્ર આસીમ ધોરણ ૬માં અભ્યાસ કરે છે. ગત ઓગસ્ટ માસમાં એક દિવસ એવું બન્યું કે, બાળકને તાવ આવવાની સાથે શરીરમાં અસહ્ય ખેંચ આવવા લાગી. કૂમળા શરીર ઉપર કોઇ અજાણી માંદગીએ આક્રમણ કર્યું. સામાન્ય રીતે મગજના તાવ તરીકે ઓળખીએ છીએ એ પ્રકારની બિમારીથી આસીમના શરીરના સ્નાયુ અને ચેતનાતંત્ર કામ કરતા બંધ થઇ ગયા. આસીમને તત્કાલ વડોદરાની એક નામી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં તેને દસેક દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો. આ દસ દિવસની સારવારમાં રૂ. બારેક લાખનો ખર્ચ આવ્યો. આથી, આર્થિક રીતે નંખાઇ ગયા અને એટલે આસીમને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આસીમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તુરંત બાળરોગ વિભાગના હેડ ડો. શિલા ઐય્યરે વેન્ટિલેટર ઉપર રાખવાની સાથે બીમારીનું કારણ અને મારણ શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યાં. સેરીબ્રોસ્પાઇનલ ફ્લ્યુઇડ એક્ઝામિનેશન, વાયરઇ ટ્રીટ્રેસ, બ્લડ, એમઆરઆઇ, ઇઇજી સહિતના પ્રકારો-તબીબી ઉપકરણોથી આસીમની તપાસ કરવામાં આવી પણ, આવી બીમારી થવાનું કારણ જાણી શકાયું નહીં અને તેમને પોસ્ટ વાયરલ એન્કેફેલાઈટીસ હોવાનું તારણ નીકળ્યું. આમ, ડાયગ્નોસ્ટિક ડાયલેમાનો અંત આવ્યો.શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના એક કિશોરને સાડા ચાર માસ સુધી વેન્ટિલેટર ઉપર રાખીને સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજીવન બક્ષ્યું છે. આ કિશોર કોમા જેવી સ્થિતિમાં હોવા છતાં હોસ્પિટલના તબીબો તથા પરિવારજનોની મહેનતના પરિણામે મેડિકલ ચમત્કાર સર્જાયો છે. પરિવારજનમાં આવતી માંદગી માનસિક રીતે થકાવી દેનારી હોય છે પણ, આ કિસ્સામાં કિશોરના પરિવારજનો કે, તબીબો-નર્સિસે થાક્યા વિના બાળકને ફરી બેઠો કર્યો છે. સારી બાબત તો એ છે કે, આટલા દિવસોની સારવાર પાછળ અન્ય દવાખાનામાં રૂ.અડધા કરોડનો ખર્ચ થઇ જાય, પણ અહીં આ સરકારી દવાખાનામાં સાવ વિનામૂલ્યે સારવાર થઇ. પોસ્ટ વાયરલ એન્કેફેલાઈટીસમાં એવું થાય છે કે, શરીરમાં કોઇ વાયરસ દાખલ થાય ત્યારે રોગપ્રતિકાર શક્તિ એમની સામે લડે છે. આ લડત લાંબી ચાલે એટલે ઇમ્યુન સિસ્ટમના સેલ મગજના તુંદરસ્ત કોષો સાથે પણ ભૂલભૂલમાં લડી લે છે. તેના કારણે શરીર ઉપર નિયંત્રણ રાખવાની મજ્જાતંત્રની જરૂરી કામગીરી ખોરવાઇ જાય છે. એથી શરીરમાં ખેંચ આવવા લાગે છે. શરીર ચેતના જ ગુમાવી દે છે. આસીમને સયાજીમાં લાવવામાં આવ્યો ત્યારે તેમની પણ સ્થિતિ આવી જ હતી. બીજા શબ્દોમાં કહીએ તો કોમાના પેશન્ટ જેવી માંદગી હતી. વેન્ટિલેટર પર રાખવાની સાથે એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી. તેના મધ્યપટ (ડાયફ્રેમ) અને શ્વસનતંત્રના સ્નાયુઓ બહુ જ નબળા પડી ગયા હતા અને તેના કારણે તે પોતે શ્વાસ પણ લઇ શકતો નહોતો. એટલે વેન્ટીલેટર સિવાય બીજાે કોઇ વિકલ્પ જ નહોતો. લાંબા સમય સુધી વેન્ટિલેટર ઉપર રાખવાના કારણથી ન્યુમોનિયા, ફંગલ ઇન્ફેક્શન, યુરિનલ ઇન્ફેક્શન જેવા કોમ્પ્લિકેશન પણ ઉભા થયા. સાથે, તેની પણ સારવાર કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *