વડોદરા
સામાન્ય વ્યક્તિના માનસ ઉપર પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની આડમાં સામાન્ય વ્યક્તિને પણ હેરાન કરે છે અને અસામાજિક તત્વોને છાવરતી હોય છે. પરંતુ, વડોદરા શહેર પોલીસ તંત્ર લોકોના માનસ ઉપરથી પોલીસ પ્રત્યેની છાપ દૂર કરવા પ્રયાસો કરી છે. જેમાં વડોદરા શહેરમાં વર્ષોથી દારૂનો વ્યવસાય કરીને બે દીકરીઓ સાથે ગુજરાન ચલાવતી દિવ્યાંગ મહિલા બુટલેગર શોભાબેનને દારનો વ્યવસાય બંધ કરાવી પગભર કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચના બાદ મહિલા બુટલેગરોને ઓળખી તેમને દારૂના ધંધામાંથી અન્ય ધંધા તરફ વાળવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહદઅંશે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ રહી છે, તેમાં પણ પોલીસની શી ટીમે મહત્વનો ભાગ ભજવી રહી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ શોભાબેન વર્ષોથી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારમાં માત્ર એ પોતે અને બે દીકરીઓની જવાબદારી હોવાથી વ્યવસાય છોડવા તૈયાર ન હતા. પરંતુ, પોલીસની સમજાવટ બાદ શોભાબેન વ્યવસાય છોડવા તૈયાર થયા હતા. સંસ્થાની મદદથી ઘર ચલાવવા માટે ઘરવખરી સામાન, બંને દીકરીઓને ભણાવવા ફી ની વ્યવસ્થા, તદુપરાંત શાકભાજીના ધંધા માટે લારીની પણ વ્યવસ્થા કરી આપવામા આવી છે. શોભાબેન દ્વારા પોલીસ મદદથી ફતેગંજ વિસ્તારમાં શાકભાજીની લારી શરૂ કરીને નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. પરંતુ, પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો. જેમાં કોર્પોરેશનના વોર્ડ નંબર ૩ના અધિકારીઓ દ્વારા લાયસન્સ વગર ચાલતી લારી બંધ કરવાની સૂચના આપી હતી. જેને લઇને મહિલાનું મનોબળ ભાગી ગયું હતું. પરંતુ, એસીપી રાધિકા ભારાઈએ સમગ્ર પ્રકરણ બાબતે શોભાબેનને સાથે રાખીને પીએસઆઇ જયશ્રી વૈધને કોર્પોરેશનમાં મોકલી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે ચર્ચા કરી હતી અને સમગ્ર વિષયની માહિતી આપી હતી. જેને લઇ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક શોભાબેનને ફતેગંજ વિસ્તારમાં વ્યવસાય શરૂ કરવા માટે જગ્યાની ફાળવણી કરવાની અધિકારીઓને સૂચના આપી હતી. હાલમાં દિવ્યાંગ શોભાબેનની બંને દીકરીઓ પૈકી એક દીકરી ધોરણ ૮માં અભ્યાસ કરે છે. જ્યારે બીજી દીકરી ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે. બંને ભણવામાં ખૂબ જ હોંશિયાર હોય શી ટીમ મહિલા પોલીસ અધિકારી તેમની બંને દીકરીઓના અભ્યાસાર્થે કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે નહીં તેની સતત કાળજી લઇ રહ્યા છે. સાથે સાથે સમાજસેવી સંસ્થાઓને પણ આ વાત કરવી છે કે આવા ઉમદા કાર્યમાં તેઓ સહકાર આપે.પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનઃ સ્થાપન માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં શી ટીમ દ્વારા દિવ્યાંગ મહિલા બુટલેગરને શાકભાજીની લારી શરૂ કરાવી પગભર કરવામાં આવી હતી. પરંતુ, સંકલનના અભાવના કારણે કોર્પોરેશન દ્વારા લારી ઉઠાવી લેવામાં આવતા મહિલા બુટલેગર ભાંગી પડી હતી. જાેકે મહિલા બુટલેગરનું મનોબળ તૂટી જાય તે પહેલાં મહિલા સેલના એસીપીએ મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન સાધી મહિલા બુટલેગરને પુનઃ વ્યવસાય શરૂ કરાવ્યો છે.
