વાપી
વાપી ટાઉન, ડુંગરા, જીઆઇડીસી અને દમણ વિસ્તારમાં એટીએમ કાર્ડ ચેક કરાવ્યા બાદ કાગળની ગડ્ડી પધરાવી લોકો પાસેથી રૂપિયા કઢાવી ફરાર થનારી ગેંગનો એક આરોપી વાપી ગુંજન વિસ્તારથી પકડાયો છે. એલસીબીએ આરોપી પાસેથી રૂ.૨૫૦૦ રોકડા અને કાગળની ગડ્ડી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચનાને લઇ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય જે સંબંધે અસરકારક કામગીરી કરવા એલસીબી પીઆઇ વી.બી.બારડની ટીમ શુક્રવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. પીએસઆઇ કે.એમ.બેરીયા તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આહેકો અજય અમલાભાઇને મળેલી બાતમીના આધારે આરોપી મોહમદ તારીક ઉર્ફે ટ્વીન્કલ મોહમદ એઝાજ ખાન ઉ.વ.૨૩ રહે.વાપી કબ્રસ્તાન રોડ હલાની બિલ્ડીંગ વાપી મુળ યુપી ને વાપી ગુંજન સર્કલ પાસેથી પકડી પાડી એક ફોન તથા રોકડા રૂ.૨૦૦૦ તથા રૂમાલમાં બાંધેલ કાગળની ગડ્ડી સાથે પકડી પાડી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, જીઆઇડીસીમાં એક યુવકને એટીએમ કાર્ડ ચેક કરાવવાના બહાને તેણે અન્ય ઇસમ સાથે મળીને ઠગાઇ કરી હતી. રોકડા રૂ.૪૦૦૦ અને તેના ખાતામાંથી રૂ.૬૦૦૦ ઉપાડી તેને કાગળની ગડ્ડી પધરાવી તેઓ ફરાર થઇ ગયા હતા. પકડાયેલ આરોપી તારીક સામે વાપી ટાઉન, ડુંગરા, જીઆઇડીસી અને દમણ કોસ્ટલ પોલીસ મથકમાં જુગારધારા સહિત ઠગાઇના કુલ ૫ કેસો નોંધાઇ ચૂક્યા છે.


