Gujarat

સુરેન્દ્રનગરમાં દારૂની રેડ દરમિયાન પોલીસ પર હુમલાના બનાવમાં ૧૮ સામે ફરીયાદ, ૧૧ ઝડપાયા

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં નવા રેલવે સ્ટેશન પાસે ડી-કેબીન પાછળ મિયાણાવાડમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પાડવા ગયેલા પોલીસ કાફલા પર ટોળાએ હુમલો કર્યો હતો. મહિલા બુટલેગરને છોડાવવા માટે ટોળું ઘાતક હથિયારો સાથે દોડી આવ્યું હતું. આ હુમલામાં કુલ પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ બનાવમાં પોલીસે કુલ અઢાર મહિલા-પુરૂષો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ કેસમાં કુલ ૧૧ જણાની ધરપકડ કરી હતી. અન્ય ફરાર સાત જણાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ચૂંટણીના મતદાન આડે થોડા દિવસો જ બાકી હોવાથી શાંતિ જળવાઈ રહે ભયનું વાતાવરણ ન સર્જાય અને અસામાજીક તત્વો અંકુશમાં રહે તે માટે ખાસ તકેદારી રાખવાની હોય છે. પરંતુ સુરેન્દ્રનગરમાં અસામાજીક તત્વોના ટોળાએ મહિલા પી.એસ.આઈ અને કાફલા ઉપર હુમલો કર્યાનો કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડતો બનાવ બનતા શહેરમાં ચર્ચાનો વિષય બનવાની સાથે ચિંતાની લાગણી ફેલાઈ છે. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ કે.એચ.જનકાતને નવા જંકશન પાસે દેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાની બાતમી મળતા તેમણે પોલીસ સ્ટાફ તથા લોકરક્ષક દળના જવાનો સાથે સુરેન્દ્રનગર નવા રેલવે સ્ટેશન સામે, ડી-કેબીન પાછળ આવેલા મીયાણાઓના છાપરામાં દરોડો પાડતા બુટલેગર કરીમ દેવાભાઈ ઝેડાના મકાન સામે ખુલ્લી જગ્યામાં દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ ધમધમતી હતી. પોલીસે ઘટના સ્થળે કાયદેસર કાર્યવાહી કરીને સ્થળ ઉપર હાજર મહિલા બુટલેગર ફાતિમા કરીમ ઝેડાની અટક કરી પરત આવવા નીકળ્યા હતા, ત્યારે પોલીસ હિરાસતમાં રહેલી ફાતિમાએ દેકારો કરતા હાથમાં ધોકા જેવા હથિયારો સાથે ટોળુ બહાર આવ્યું હતું. લાકડી-ધોકા સાથે આવેલા ટોળાએ ફાતિમાને છોડી દેવા દેકારો કર્યો હતો, જેમાં પોલીસની સમજાવટ એળે ગઈ હતી. ફાતિમાએ મહિલા પી.એસ.આઈ સાથે ઝપાઝપી કરીને તેમના યુનિફોર્મની નેમપ્લેટ તોડી નાંખી હતી. ટોળાએ લાકડી-ધોકા સાથે પોલીસ કાફલા ઉપર હુમલો કર્યો હતો. પરંતુ ફાતિમાને પોલીસ કોર્ડન કરેલી હોવાથી છોડાવી શકયા નહોતા. પોલીસે સ્વબચાવમાં બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાંખ્યું હતું. આ બનાવમાં પોલીસે અગિયાર જણાની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. જ્યારે સાત સ્ત્રી-પુરૂષો નાસી જવામાં સફળ રહ્યા હતા. આ બનાવમાં પાંચ પોલીસ કર્મીઓને ઈજાઓ થઈ હોવાનું પણ જાણવા મળે છે. પોલીસે અઢાર વ્યકિત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *