Gujarat

સોજીત્રા ગામના બે મિત્રો નડિયાદ જઈ રહ્યા, મલાતજ પાસે સ્કૂલ બસે ટક્કર મારતે એકનું મોત

આણંદ
સોજીત્રા તાલુકાના મલાતજ-કાસોર રોડ પર આવેલ મોટી નહેર ગરનાળા નજીક પુરપાટ ઝડપે પસાર થતી સ્કુલબસના ચાલકે એક મોટરસાઈકલને ટક્કર મારી હતી. જેથી બાઈક પર સવાર બંને મિત્રો ફંગોળાઈને વીસેક ફુટ દુર સુધી ઢસેડાયાં હતાં. જેમાં એકને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં બીજા મિત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે સોજીત્રા પોલીસે સ્કુલબસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના સોજીત્રા ગામમાં આવેલ ચારકુવા ભાગોળ વિસ્તારમાં રહેતાં વસીમભાઈ ઐયુબભાઈ ખલીફા શનિવારના રોજ બપોરના સમયે મિત્ર જગદીશ કનુભાઈ તળપદા તેમના ઘરે આવ્યો હતો અને નવાં બાઈકનું બુકીંગ કરાવવા માટે નડિયાદ આવવા વસીમને જણાવ્યું હતું. જેથી વસીમ તેના મિત્ર જગદીશ સાથે નડિયાદ જવા તૈયાર થયો હતો. બંને જણાં બાઈક નં જીજે ૨૩ બીએમ ૫૮૨૯ લઈને નડિયાદ જવા માટે ઘરેથી નીકળ્યાં હતાં. બપોરે તેઓ મલાતજ-કાસોર રોડ પર આવેલ મોટી નહેર ગરનાળા નજીકથી પસાર થઈ રહ્યાં હતાં તે વખતે મલાતજ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી સ્કુલબસ નં જીજે ૨૩ વાય ૭૮૯૦ ના ચાલકે જગદીશભાઈના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સાથે રોડ પર પટકાયેલાં બંને મિત્રો સ્કુલબસ સાથે વીસેક ફુટ સુધી ઢસડાયાં હતાં. આ અકસ્માતમાં જગદીશભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે વસીમભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન વસીમ ઐયુબભાઈ ખલીફાનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે આફતાબ ઐયુબભાઈ ખલીફાની ફરીયાદને આધારે સોજીત્રા પોલીસે સ્કુલબસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *