સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળે ચોરી થઇ છે. જેની ફરિયાદ અલગ અલગ પોલીસ મથકમાં કરવામાં આવી છે. જેમાં ઇલોલમાં ખુલ્લી જગ્યામાંથી લોખંડની ભારીઓ ચોરાઈ છે, તો તલોદના બડોદરા અને હરસોલ પહાડીયામાં બે અલગ અલગ આગણવાડીમાંથી ગેસના બાટલાની ચોરી થતા હિંમતનગર ગ્રામ્ય અને તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ઇલોલમાં કમરઅલી શરીફ મેમાયાના ગામની સીમમાં નવીન કોમર્શીયલ શેડની બાજુની ખુલ્લી જગ્યામાં મુકેલા લોખંડના સળિયાની ૨૫ નવેમ્બરની રાત્રીએ અલગ અલગ માપની ભારીઓ ૧૧ નંગ ૮૭૦ કિલોગ્રામ રૂ. ૬૦ હજાર ૯૦૦ની તથા લોખંડના પાંજરા ૨૯ નંગ ૪૬૪ કિલોગ્રામના રૂ. ૩૨ હજાર ૮૪૦ મળી કુલ રૂ. ૧૩૬૪ કિલોગ્રામ લોખંડના ૯૩ હજાર ૨૮૦ની ચોરી કોઈ અજાણ્યા ઇસમો વાહનમાં ભરીને કરી ગયા અંગેની હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. તલોદના હરસોલ પહાડીયા અને બડોદરામાં બે જગ્યાએ આંગણવાડીમાં ગેસના બાટલાની ચોરી થવા પામી છે. હરસોલ પહાડીયા ગામે ૨૬ નવેમ્બરની રાત્રિએ પ્રાથમિક શાળા અને આગણવાડી નં-૩ના અજાણ્યા ઇસમોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી ભરત ગેસની એલપીજીની ભરેલી બે બોટલ રૂ. ૩ હજારની અને એક ખાલી બોટલ રૂ. ૧ હજાર મળી રૂ. ૪ હજારની ત્રણ બોટલોની ચોરી થતા ફરિયાદ નોધાઇ હતી. બીજી બડોદરા ગામે આગણવાડીનું અજાણ્યા ઇસમોએ તાળું તોડી અંદર પ્રવેશ કરી ભારત ગેસનો એલપીજી બાટલો એક રૂ. ૧૫૦૦ અને અંકુર સિંગતેલનો ૧૫ કિલોનો સીલબંધ ડબ્બો એક રૂ. ૨૫૦૦ મળી કુલ રૂ. ૪ હજારની મત્તાની ચોરી થવા પામી હતી. આ બને આગણવાડીમાં ચોરી અંગેની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.


