અમદાવાદ
અમદાવાદ શહેરમાં બિસ્કિટ ચોકલેટ વેચીને છૂટક વેપાર કરનાર આધેડ વ્યક્તિએ ઉઘરાણી કરતા દુકાનદારે માર માર્યો છે. સુરેશ ઠક્કર અગાઉના બાકીના ૨૮૩૫ રૂપિયા લેવા દુકાનદાર પાસે ગયા ત્યારે ચિરાગ નામના દુકાનદારે પૈસા ન આપવા બોલાચાલી કરી હતી, બાદમાં આધેડને ધક્કો મારીને મૂંઢ માર્યો હતો. આ મામલે આધેડે દુકાનદાર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. રાણીપમાં રહેતા સુરેશ ઠક્કર લ્યૂના પર ફરીને છૂટક વેપાર કરે છે, તેઓએ જય મિલ્ક ડેરી પાર્લરમાં ચોકલેટ અને બિસ્કિટ આપ્યા હતા. જેના ૨૮૩૫ રૂપિયા લેવાના બાકી હતા. આ પૈસા માટે દુકાનના માલિક ચિરાગે ચેક આપ્યો હતો. આ ચેક ૨ વખત રિટર્ન થયો હતો ત્યારે રૂબરૂમાં સુરેશભાઈ પૈસા લેવા ગયા હતા, ત્યારે દુકાન મલિક ચિરાગે સાંજે આવવા કહ્યું જેથી સુરેશભાઈ સાંજે પૈસા લેવા ગયા હતા. આ સમયે ચિરાગે નહીં મળે કહીને ધક્કો મારી દુકાન બહાર કાઢી મુક્યા હતા. જે બાદ ચિરાગનો ભાઈ દર્શન પણ ત્યાં હાજર હતો, જેણે સુરેશભાઈને મૂંઢ માર માર્યો હતો. છાતીમાં ફેટ મારીને કહ્યું કે તારે હવે અમારી દુકાને આવવું નહિ. સુરેશભાઈને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સુરેશભાઈએ દુકાનના મલિક અને તેના ભાઈના વિરુદ્ધમાં ગુનો નોંધાવ્યો છે. નારણપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


