ગાંધીનગર
ગાંધીનગરના કલોલ નારદીપુર રોડ પરથી રાજસ્થાન તરફ ગેરકાયદેસર મહેંક ગુટખા નો લાખો રૂપિયાનો મસમોટો જથ્થો ફેકટરીથી લઈને નીકળેલી ત્રણ ટ્રકોને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી જીએસટી ચોરીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે આયોજન પૂર્વક છેલ્લા ઘણા સમયથી ચાલતા ગુટખાના ગેરકાયદેસર કારોબાર પર સ્ટેટ મોનીટરીંગની કાર્યવાહીથી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહીતના નાના મોટા વેપારીઓ ફફડી ઉઠ્યા છે. ગુટખામાં પ્રચલિત એવી મહેંક સિલ્વરનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગાંધીનગરથી ઝડપી પાડી જીએસટી ચોરીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કે .ટી.કામરીયાનાં સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા ગાંધીનગર નારદીપુર રોડ ઉપર ખાસ ઓપરેશન હાથ ધરીને ત્રણ ટ્રકોમાંથી ગેરકાયદેસર મહેંક સિલ્વરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હોવાનો જિલ્લામાં મેસેજ ફરતો થતાં જ બુટલેગરો પણ ફફડી ઉઠયા હતા. જાે કે સિલ્વરનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવતાં બુટલેગરો તેમજ સ્થાનિક પોલીસે પણ રાહત અનુભવી છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગની ટીમને બાતમી મળી હતી કે મહેંક સિલ્વરની ફેકટરીમાંથી જીએસટી બીલો વિનાનો વિપુલ માત્રામાં ગેરકાયદેસર જથ્થો અગાઉથી આયોજન બદ્ધ અલગ અલગ ટ્રકોમાં ભરીને ગાંધીનગરથી રાજસ્થાન તરફ જવાનો છે. જેનાં પગલે ટીમ દ્વારા નારદીપુર રોડ પર વોચ ગોઠવીને ત્રણ ટ્રકોને ઝડપી પાડી તલાશી લેતાં અંદરથી મહેંક સિલ્વરનો જથ્થો તેમજ ચાંદીના સિક્કાનો જથ્થો જે કંપનીની સ્કીમ મુજબ વેપારીઓને આપવામાં આવે છે એ પણ મળી આવતાં ડ્રાઇવર ક્લીનરોની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરવામાં આવી રહી છે. જાે કે ટ્રકોમાં ભરેલો જથ્થો જીએસટી બિલ વિના જ કંપનીમાંથી ભરીને રાજસ્થાન તરફ લઈ જવાતો હોવાથી ટૅક્સ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહેંક સિલ્વરનો ગેરકાયદેસર જથ્થો ફેકટરીથી ટ્રકોમાં ભરીને લઈ જવાતો હતો. હાલમાં મુદ્દામાલની ગણતરી ચાલુ છે. પણ જીએસટી ચોરીનું મોટું કૌભાંડ હોવાનું નકારી શકાય એમ નથી. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ગુટખાના ચાલતા સુવ્યવસ્થિત કારોબારનો પર્દાફાશ થતાં અમદાબાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના નાના મોટા ગુટખાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


