Gujarat

કારકૂનની પરીક્ષા કેન્દ્રો ખાતે અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

છોટાઉદેપુર જિલ્લામાં આગામી ૨૪/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૩:૦૦ કલાક દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા છોટાઉદેપુર જિલ્‍લામાં નિયત થયેલા ૨૯ કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તથા કોઇ પણ પ્રકારની ગેરરીતીઓ સિવાય શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ડી.કે.બારીઆએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામું બહાર પાડી ફરમાવ્યા છે.
જાહેરનામામાં જણાવ્‍યા પ્રમાણે તા૨૪/૦૪/૨૦૨૨ના રોજ  છોટાઉદેપુર જિલ્લામાં નિયત થયેલા ૨૯ કેન્દ્રો ખાતે બિનસચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા ખંડની અંદર તથા ચારેય બાજુ ૧૦૦ મીટર વિસ્તારમાં કોઇ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ વ્યક્તિ એ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઇલ ફોન, વિગેરે લઇ જવા નહીં. ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા નહીં. પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઇ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા તથા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહનો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓ, અને કેન્દ્ર નજીક મુકેલ સલામતિ કર્મચારીઓ તેમની વિધિસરની ફરજો બજાવવા દરમિયાન સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઇલ ફોન તથા વાયરલેસ વગેરે સાધનોનો ઉપયોગ કરી શકશે. કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિઓ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમેન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને લાગુ પડશે નહીં.
આ જાહેરનામું તા. ૨૪/૦૪/૨૦૨૨ના રોજ અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે અથવા ભંગ કરવામાં મદદગારી કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *