Gujarat

ગાંધીનગરમાં વેપારીઓને છેતરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગર
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલ ભગવતી જ્વેલર્સમાં ત્રીજી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ બપોરના સમયે એક ઈસમ કાર લઈને ગયો હતો. જેણે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને જયપાલસિંહ હોવાનું કહી ભાઈ માટે સોનાના દાગીનાની ખરીદી કરવાની વાત કરી હતી. બાદમાં પોલીસ જેવા મરુંન કલરના બૂટ અને ખાખી મોઝા પહેરેલ ઈસમે સોનાનો દોરો અને વીંટી મળીને રૂ. ૧ લાખ ૯૭ હજાર ૩૭૦ ના દાગીનાની ખરીદી કરી હતી. પેમેન્ટ પેટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતો હોવાની વાત કરતા જ્વેલર્સ દ્વારા બેંક એકાઉન્ટની વિગત આપવામાં આવી હતી. એટલે તુરંત જ આ ઈસમે પૈસા ટ્રાન્સફર કર્યાનો સ્ક્રીન શોટ બતાવી ત્યાંથી રવાના થઇ ગયો હતો. પરંતુ બીજા દિવસ સુધી પણ એકાઉન્ટમાં પૈસા જમા નહીં થતાં આખરે જ્વેલર્સ દ્વારા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે તપાસ કરી મળેલી બાતમીના પગલે સરગાસણ ચાર રસ્તા વિસ્તારથી હોન્ડા સીટી કાર સાથે અનિલ સુરેશભાઈ સોની (ઉ. ૨૪,પ્લોટ નંબર ૧૨૩, આશાપુરા કોલોની, મુદ્રા ભુજ મૂળ મધ્યપ્રદેશ) અને ફૈજાનબેગ સમસાદબેગ રૂસતમબેગ મિર્ઝા ( ઉ. ૨૮, નાના કપાયા, મુદ્રા ભુજ, મૂળ ઉત્તરપ્રદેશ) ને ઝડપી લેવાયા હતા. એલસીબીએ કારની તલાશી લઈને સોનાની ચેઇન – ૨, સોનાની વીંટી – ૪ મળીને ૧ લાખ ૪ હજારના દાગીના અને ઈન્ડિયન કસ્ટમ સર્વિસ લખેલ આઈકાર્ડ, ચાર મોબાઇલ, લાલ કલરના બૂટ, ખાખી મોઝા તેમજ કાર મળીને રૂ. ૭.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ બન્ને ઈસમોની કડકાઈથી પૂછતાંછ કરતાં અનિલ સોનીએ ઉક્ત ગુના સિવાય સેકટર – ૧૧ નાં સેમસંગ કેર અને એચ પી સ્ટોર્સમાંથી ૭૫ હજારનો ફોન અને ૫૦ હજારનું લેપટોપ ની ઉક્ત એમ.ઓ. થી ખરીદી કર્યાની કબૂલાત કરી હતી. જેઓ પોતાની પાસે રિવોલ્વર ટાઈપનું લાઈટર જાેડે રાખતા જેથી સામે વાળાને રિવોલ્વર હોવાનો અહેસાસ થાય. એજ રીતે અમદાવાદ, મુદ્રા કચ્છ, ડીસા અને જામનગર સહિતના વિસ્તારના વેપારીઓ સાથે લાખો રૂપિયાના વિવિધ ચીજ વસ્તુઓ ખરીદીને લાખોનો ચુનો લગાવ્યો હોવાનું પણ વધુમાં ખુલવા પામતાં એલસીબીએ દસથી વધુના ગુના સંદર્ભે જે તે પોલીસ મથકમાં ગુના નોંધાયાની ખાત્રી કરીને બન્ને આરોપીઓની વધુ પૂછતાંછ શરૂ કરી છે.ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, ડીસા અને જામનગર સહિતના વિસ્તારોમાં પોલીસ અને કસ્ટમ અધિકારીની ઓળખ આપી સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કર્યા પછી ઓનલાઈન પેમેન્ટ કર્યાના સ્ક્રીન શોટ બતાવી વેપારીઓને લાખોનો ચુનો લગાવનાર કચ્છ ભુજનાં બે ઈસમોને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. સરગાસણ ખાતેથી આરોપીઓને ઝડપી પાડી દસથી વધુ ગુનાનાં ભેદ ઉકેલી રૂ. ૭. ૨૯ લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *