જૂનાગઢ
રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં રહેતા સંજયભાઈ માધવજીભાઈ સોરઠીયાનું મેંદરડા તાલુકાના હરિપુર ગામ નજીક રીસોર્ટ આવેલું છે. સંજયભાઈ અને તેના ભાગીદાર આશિષભાઈ રિસોર્ટ ખાતે હાજર હતા. એ સમયે બે અજાણ્યા શખ્સો સાદા ડ્રેસમાં આવ્યા હતા. અને મેંદરડા પોલીસ સ્ટેશનથી રૂટીન ચેકીંગમાં આવ્યા છીએ તેમ જણાવતા માલીક સંજયભાઈએ રિસોર્ટમાં ચેકીંગ કરવા દીધુ હતુ. બાદમાં બંન્ને વાતચીત કરી રહેલ ત્યારે સંજયભાઈને બંન્ને પોલીસ ન હોવાની શંકા જતા તેઓએ નામ પૂછતા માળીયા હાટીના તાલુકાના શેરીયાખાણ ગામના હનીફ ઇસ્માઇલ લાખા અને હુસેન અલી લાખા હોવાનું જણાવ્યું હતુ. બાદમાં સંજયભાઈએ મેંદરડા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ રિસોર્ટ ખાતે દોડી આવ્યો હતો. બાદમાં બંન્ને શખ્સોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઇ પૂછપરછ કરતા ઠગાઈ કરવાના ઇરાદે રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પોલીસ કર્મચારી ન હોવા છતા ઠગાઈ કરવાના ઇરાદે ખોટી ઓળખ આપી હોવાનો ખુલાસો થયો હતો. બાદમાં આ અંગે રિસોર્ટ માલિક સંજયભાઈએ ફરિયાદ કરતા મેંદરડા પોલીસે બંન્ને શખ્સો સામે આઇપીસી કલમ ૧૨૦ (મ્), ૧૭૦, ૧૧૪ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


