Gujarat

જૂનાગઢમાં આધુનિક મશીન કરતાં પણ વધુ ઝડપથી માટીના વાસણો, પ્રાણીનું જીવંત નિદર્શન કરતાં કારીગરો

“વિસરાતી જતી હસ્તકલા ને તેના કારીગરોને જીવંત રાખવામાં રાજય સરકાર દ્વારા યોજાતા હસ્‍તકલાના મેળાઓની ભૂમિકા મહત્‍વની છે”, તેમ આધુનિક મશીન કરતાં પણ ઝડપથી માટીના વાસણો, પ્રાણીનું જીવંત નિદર્શન કરતાં કારીગર કિશોરભાઇ પ્રજાપતિ જણાવે છે.

તેઓ વધુમાં કહે છે કે “સરકારનું પ્રોત્‍સાહન ન હોત તો બાપદાદાની પ્રાચીન પરંપરાની જાળવણી કરવી મુશ્‍કેલ બનત. નોનસ્‍ટીક વાસણોના જમાનામાં પણ હજૂ કેટલોક વર્ગ એવો છે કે જે આરોગ્‍ય માટે ગુણકારી એવા માટીના વાસણો વાપરતા રહે છે.”

કિશોરભાઇ પાસે એવી વારસાઇ જાદુઇ હથોટી છે કે થોડી સેકન્‍ડોમાં જ તેમણે અમારા માહિતી ખાતાની ટીમની હાજરીમાં ધોડો, હાથી, વંદે ગુજરાતનું બોર્ડ લાલ માટીમાંથી બનાવી નાખ્‍યુ. તેમની આ અસાધારણ હસ્તકલા માટે તેમને સરકાર દ્વારા વખતોવખત પ્રોત્સાહિત પણ કરાયા છે. તેઓએ મંત્રીશ્રી દેવાભાઈ માલમ અને મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ પણ પોતાની કલાનું લાઈવ ડેમનસ્ટ્રેશન કર્યું હતું.

વંદે ગુજરાત અન્‍વયે હસ્‍તકલાના કારીગરોને પ્રોત્‍સાહન આપવા માટે રાજય સરકાર દ્વારા જૂનાગઢમાં યોજાયેલ સખી મેળામાં વાંકાનેરના મિટ્ટી આર્ટ મિશન મંગલમ જૂથના સભ્‍ય રેખાબેન સોંલકી અને તેમના સાથીઓ ઇશ્‍વરભાઇ પ્રજાપતિ અને કિશોરભાઇ પ્રજાપતિને તેમના માટી કામના વાસણો અને કેટલાક અન્‍ય માટીની કારીગરી માટે વિનામૂલ્‍યે સ્‍ટોલની ફાળવણી કરાઇ છે. આ મેળાના તમામ ૭૫ થી પણ વધુ સ્‍ટોલના કારીગરો માટે જમવાની વ્‍યવસ્‍થા પણ સરકારશ્રી દ્વારા વિનામૂલ્‍યે કરાઇ છે.

પ્રજાપતિ બંધુ એ કહ્યું હતું કે, “અમારા ગામડામાં માટલા, તાવળી સિવાય માટીની કોઇ વસ્‍તુઓનું વેચાણ થતું ન હતું. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા અમને હસ્‍ત કલાના મેળાઓમાં આવવાનું  વર્ષ ૨૦૧૪ થી આમંત્રણ મળવા લાગ્‍યુ. જેથી અમને શહેરીકક્ષાનું વિશાળ બજાર મળ્યુ. અમે ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત દિલ્‍હી, હૈદ્રાબાદ સહિતના શહેરોના સરકારી હસ્‍તકલાના મેળાઓમાં પણ ભાગ લેવા માંડયા.

તેઓ વધુમાં કહે છે કે, અમે સાદા માટલા અને સાદી તાવળીમાંથી આગળ ડિઝાઇનર પ્રિન્‍ટેડ વોટરપ્રુફ માટલા અને નોનસ્‍ટીકને ટકકર મારે તેવી જ ગુણવત્તાયુકત તાવળી બનાવવા લાગ્‍યા. માંગ વધતા અમે ડિઝાઇનીંગ અને વેરાઇટી ઉપર ભાર મૂકયો. માટીના ડિનર સેટ, રસોઇ હાંડી, માટીની બોટલા, દહીની હાંડી, ચાના કપ, પાણીના ગ્‍લાસ, દિવડાની અનેક રેંજ અને વેરાઇટી ઉભી કરી.અનેક સખી મંડળની બહેનોનેને અમે આ કામમાં જોડયા. તેઓને પણ રોજગારી મળવા લાગી. કિચનવેર્સની પ્રોડકટસનું કાસ્‍ટીંગ કરવા લાગ્‍યા. માટલા માટે મોરબી અને થાનની કાળી અને લાલ માટીનો ઉપયોગ કરીએ છીએ.

choco-pan-story-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *