Gujarat

થરાદના ગામોમાં નવરાત્રિ મહોત્સવમાં ફક્ત પુરુષો જ ગરબે ઘૂમે છે!…

થરાદ
“રે કે મારી બહુચરા બાઈ રે સરોવર પાળ વડ રોપિયો”, “રાધા રાણી કેમણના અડવશો ઢેલ ( ગાયનું નામ છે ) કેમણના અડવશો વાછરું રે લોલ…” આવા ગરબા હવે ગામડામાં પણ ભાગ્યેજ સંભાળવા મળે છે. છતાં પણ હજુ ગામડાની નવરાત્રિમાં ભક્તિ અને આસ્થા જળવાઈ રહી છેએ આનંદની વાત છે. હવે તો માઇકની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈ માઇક દ્વારા ગરબા ગવરાવે છે. અમુક જગ્યા પર રેકોર્ડિંગ વાળા ગરબા સ્પીકરમાં વગાડીને ગરબા રમાતા હોય છે. કોઈપણ વિસ્તારમાં ગરબા રમતા ગામના નાના મોટા કે વૃદ્ધ લોકો અને એમાં પણ ગામના કોઈ સારા અને પડછંદ અવાજ વાળા ગાયક ગરબા ગવરાવતા હોય અને રમવા વાળા પાછળ જીલતા હોય અને વચ્ચે વચ્ચે બેસણી ( રમતા રમતા ઓચિંતાનું બેસી જવું અને સ્ફુર્તિ સાથે ઉભા થઇ જવું આવું એક વાર નહિ પણ ઘણીવાર એક સાથે કરવું ) લેતા હોય, ફુદડી ફરે, અને હાકલ કરતા જાય અને એકબીજાને જુસ્સો આપતા જાય. એટલા આનંદમાં આવી જાય કે આખા દિવસનો ખેતીકામનો થાક ઉતરી જાય ખબર જ ના પડે.. ઉંમરથી કઈ જ લેવા દેવા માતાજીના નોરતામાં ના હોય એવું જાેવા મળે છે. કોઈ પ્રકારનો આડંબર રાખ્યા વિના માતાજીની ભક્તિમાં ઓતપ્રોત થઈને જાણે કે માતાજીની હાજરીમાં પોતે અંબાની સામે એને રિઝવવા કાલાવાલા કરતા હોય એવા દ્રશ્યો જાેવા મળે છે. ભલે ગામડાના ભોળા માનવીઓના લૂગડાં ( કપડાં ) મેલા દાટ હોય પણ એના મન ગંગાજીના જળ જેટલા પવિતર ( પવિત્ર ) હોય છે. આરતી થાય એટલે પોતાનું ફાળિયું ( પાઘડી ) હાથમાં લઇને માતાજી આગળ કરગરીને નીતિ અને મર્યાદામાં જીવવાની પ્રેરણા આપજે એવી પ્રાર્થના કરે છે. સાથે ગરબામાં પણ સમાજ અને ગામની એકતા ગવાતી એના પુરાવા છે. જેમ કે “સોનીડા વીરા તને વિનવું માની નથડી ઘડી લાવ્ય, મોચિડા વીરા માની મોજડી લઈ આવ, દરજીડા વીરા માની ચૂંદડી લઈ આવ, કુંભારી વીરા માનો ગરબો ઘડી લાવ, સુથારી વીરા માની માંડવડી ઘડી લાવ” વગેરે વગેરે જ્ઞાતિઓને સંબોધીને લોક સંસ્કૃતીના ગરબા એટલે જ ગામડાની ગરબી કહેવાય.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *