નડિયાદ
નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી વિસ્તારમાં એક દારૂડિયાએ ભારે ધાંધલ-ધમાલ મચાવી હતી. દારૂડિયાએ નજીક આવેલા મોબાઈલના ટાવર પર ચઢી જાેરશોરથી વંદે માતરમ્ અને ભારત માતા કી જય નારા લગાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અન્ય સ્થાનિક યુવાને ભારે જહેમત બાદ મોબાઈલના ટાવર પર ચઢેલા આ શખ્સને હેમખેમ નીચે ઉતાર્યો હતો. નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી વિસ્તારમાં એક દારૂડિયાએ સમગ્ર વિસ્તાર માથે લીધો હતો. દારૂડિયો અહીંયા આવેલા આશરે ૧૫૦ ફુટ ઊંચા મોબાઈલના ટાવર પર ચઢી ગયો હતો અને આ બાદ મોટે મોટેથી વંદે માતરમ્ અને ભારત માતા કી જય નારા લગાવતો હતો. આથી આ વિસ્તાર સહિત અમદાવાદ દરવાજા, ભીલપુરા, કનીપુરા, શાંતિ ફળિયાના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ ૧૦ મિનિટ આ દારૂડિયાએ આ રીતે બુમરાણ મચાવી હતી આથી અહીંયા લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. જાેકે આ પહેલા જ સ્થાનિક યુવાને સાહસ કરી મોબાઈલ ટાવર પર ચઢેલા દારૂડિયાને ઉતારવા ચઢ્યો હતો. સ્થાનિક યુવાનના સમજાવટના પ્રયાસો બાદ આ દારૂડિયો ટાવર પરથી નીચે ઉતર્યો હતો. તો બીજી બાજુ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને પણ કરવામાં આવતા ફાયર બ્રીગેડનો સ્ટાફે પણ બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. નીચે ઉતરેલો આ દારૂડિયો સ્થાનિક રહીશ હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


