વડોદરા
છોટા ઉદેપુરના બોડેલી અને સંખેડામાં ભારે વરસાદ અને આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઇ છે. જેથી નદીઓ ગાંડીતૂર બની છે ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરથી ફાયરબ્રિગેડની બે ટીમ બોડેલી અને સંખેડામાં તૈનાત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી અમારી એક ટીમ બોડેલીમાં ફરજ પર છે. અમને કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક મીની બસ નાની બુમડી ગામ પાસે પૂરના પાણીમાં ફસાઇ છે. જેથી ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં પૂરના પાણીમાં ફસાયેલ બસમાંથી ડ્રાયવર સહિત ૨૫ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મીની બસમાં આ મુસાફરો મધ્યપ્રદેશથી અમરેલી જઇ રહ્યા હતા. તમામને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં બને ત્યાં સુધી અમારી ટીમ બોડેલીમાં ખડેપગે રહેશે. વડોદરા ફાયરબ્રિગેડની બીજી એક ટીમ સંખેડામાં તૈનાત છે. જ્યાં સંખેડાના માલપુર ગામમાં પૂરના પાણીમાં ફસાયેલ ૨૫ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમને પૂરના પાણીમાંથી બોટ દ્વારા ટોર્ચ લાઇટના સહારે બહાર કઢાયા હતા. સાથે જ પૂરના પાણીમાં ફસાયેલ એક વાનને પણ રેસ્ક્યુ કરાઇ છે.વડોદરા શહેરની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા છોટાઉદેપુરના બોડેલી અને સંખેડામાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. બંને જગ્યાએ ફાયરબ્રિગેડની એક-એક ટીમ તૈનાત છે. જેમાં બોડેલીમાં એક ટીમે મુસાફરો ભરેલી મીની બસને રેસ્ક્યુ કરી છે. જ્યારે સંખેડામાં તૈનાત ટીમે માલપુરમાં પૂરમાં ફસાયેલ ગામ લોકો અને વાનને રેસ્ક્યુ કરવામાં આવી છે. બંને ટીમ દ્વારા ૫૦ જેટલા લોકોનું હાલ સુધીમાં રેસ્ક્યું કરાયું છે.


