અરવલ્લી
હાઇવે રોડ પર ભારે વાહનોની તેજ રફતાર જાેવા મળે છે. જેના કારણે નાના નિર્દોષ વાહનચાલક અને વાહન સવારોનો ભોગ લેવાતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના બાયડ પાસે બોરોલ ગામે બનવા પામી છે. જેમાં એક બેફામ ટ્રકચાલકે બાઈકસવારને અડફેટે લેતાં ૧૩ વર્ષિય કિશોરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સાંજના સુમારે બાયડથી નડીયાદ-મોડાસા હાઇવે પર આવેલા બોરોલ ગામે પિતા-પુત્ર બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઇકચાલક રોડ પર પટકાયો હતો. જ્યારે પાછળ બેઠેલા કિશોરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મોત નીપજતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પિતાને સારવાર અર્થે ખસેડાયા અને મૃતક કિશોરના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારે પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કિશોરના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.


