Gujarat

ભારે વરસાદ બાદ જુદા જુદા વિભાગો દ્વારા  કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર 

છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ભારે વરસાદની પરિસ્થિતિ બાદ જિલ્લાના નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે એ માટે તમામ વિભાગોના અધિકારીઓને તેમના વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.
ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ વિભાગની સમીક્ષા કરતા તેમણે જે રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તે ઝડપથી કાર્યરત થાય એ માટે તેમણે જરૂરી સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપથી સર્વેની કામગીરી પુરી કરવામાં આવે જેથી લોકોને સરકારના ધારાધોરણ મુજબ સહાય આપી શકાય એમ જણાવી તેમણે ખાસ કરીને આરોગ્ય વિભાગને કોઇ રોગચાળો ફાટી ન નિકળે એ માટે સફાઇ, પીવાના પાણીનું ક્લોરિનેશન, હેલ્થ ચેક- અપ, દવા છંટકાવ તેમજ પોરાનાશક કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને તેમના વિભાગ દ્વારા કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તથા અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત થાય એ માટે જરૂર જણાય તો અન્ય જિલ્લાઓમાંથી પણ ટીમો મંગાવીને ઝડપથી કામગીરી કરવા ફરમાન કર્યું હતું. પશુપાલન વિભાગ, પુરવઠા વિભાગ, પાણી પુરવઠા, વાસ્મો સહિતના વિભાગને પણ જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત તેમણે આઇ.સી.ડી.એસ વિભાગ તથા શિક્ષણ વિભાગને આંગણવાડી અને શાળાઓમાં થયેલા નુકસાનનું સર્વે કરવા તેમજ જે આંગણવાડી અને શાળાઓમાં પાણી ભરાઇ ગયા હતા એ આંગણવાડી અને શાળાઓની સફાઇ કરી આરોગ્યલક્ષી પગલાઓ લેવા માટે જણાવ્યું હતું. ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગને પણ ઝડપથી સર્વે પૂર્ણ કરી ખેડૂતોને થયેલા નુકસાનનું આંકલન કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના તમામ વિભાગોને આ પરિસ્થિતિમાં પરસ્પર સંકલન કરીને કામગીરી કરી આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવામાં સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક જી.એમ.બોરડ, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, બોડેલી પ્રાંત ઉમેશ શાહ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારી અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

16-07-2022_samiksha-bethak-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *