રાજકોટ
કોરોનાના કેસમાં શહેર અને ગ્રામ્ય બંને તંત્ર હાલ દોડી રહ્યું છે કારણ કે, કેસ સતત વધી રહ્યા છે. શનિવારે શહેરમાં ૪૩૮ જ્યારે ગ્રામ્યમાં ૧૪૯ સહિત કુલ ૫૮૭ નવા કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે.બીજી તરફ શહેરના ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં ૩ દિવસમાં ૧૮ વડીલ કોરોનાગ્રસ્ત થયા છે. આ તમામની તબિયત સ્થિર છે પણ અન્ય વડીલોને ચેપ ન લાગે તે માટે તકેદારીના ભાગરૂપે પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ તેમજ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળના સભ્ય ભાવનાબેન જાેશીપુરાએ જણાવ્યું હતું કે, ૩ દિવસ પહેલા ૫ પોઝિટિવ કેસ આવ્યા હતા. કેસ આવતા જ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તાત્કાલિક વૃદ્ધાશ્રમ પહોંચી ગયો હતો અને બધાનું સ્ક્રીનિંગ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી દરરોજ બે વખત આરોગ્ય રથ લઈને તપાસ કરાય છે. સૌથી પહેલા નેગેટિવ અને પોઝિટિવ બંને માટે અલગ અલગ વ્યવસ્થા રાખી હતી પણ કેસની સંખ્યા સતત વધતા તેમજ હવે જે નેગેટિવ છે તે તમામ ૮૫ વર્ષ કરતા વધુની વયના હોવાથી તેમને ચેપ ન લાગે તે માટે પોઝિટિવ દર્દીઓને સિવિલમાં શિફ્ટ કર્યા છે.રાજકોટમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમાંય હવે મહાનગરપાલિકામાં કોરોના ફેલાય રહ્યો છે. જ્યાં મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એલ.ટી. વાંજા, સિટી એન્જિનિયર કામલીયા પોઝિટિવ આવ્યા છે. આ સાથે યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પરત આવેલા કોર્પોરેટર જયમીન ઠાકરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ૧૩, આરોગ્ય વિભાગમાં મનપાના મુખ્ય આરોગ્યકર્મી સહિત ૮ અને ગોંડલ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં ૫ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.


