રાજકોટ
રાજકોટમાં સામાન્ય રીતે ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનતી હોય છે આવી તંગીમાં ગઈકાલે શહેરના કિશાનપરા વિસ્તારમાંથી સ્થાનિકોના ઘરે પાણીમાંથી ઈયળ અને અળસીયા નીકળ્યા હતા. જયારે પરમદિવસે મનપા સંચાલિત ગાર્ડનમાંથી પાણીની નળી મારફત કેટલાક લોકો પાણી ટેન્કર અને પોતાના વાહન સાફ કરતા નજરે પડ્યા હતા.રાજકોટમાં એક તરફ મનપા દ્વારા પાણીચોરી અને બગાડ સામે ચેકીંગની કડક ચલાવવામાં આવી રહી છે. અને પાણીનો વેડફાટ કરનાર પ્રજાજનોને દંડ કરવામાં આવે છે. જયારે બીજી તરફ કિશાનપરા સોસાયટીમાં મનપાની બેદરકારી સામે આવી છે. જ્યાં કિશાનપરા સોસાયટીમાં મનપા દ્વારા ૩ દિવસથી ખોદેલી લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયાની સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતા પાસે પાણી બગાડનો મનપા દંડ વસુલે છે અને પોતાની ભૂલ સામે આંખ આડા કાન કરે છે. શહેરની કિશાનપરા સોસાયટીમાં ઘણા ખરા મનપાના કર્મચારીઓ વસવાટ કરે છે. છતાં પાણીના આયોજન સંદર્ભે કોર્પોરેશનનું તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ હોય તેવી ચર્ચાઓ સ્થાનિકો કરી રહ્યા છે. પાણી ઓછું આવવું તે રાજકોટની જનતાની વર્ષો જૂની સમસ્યા છે, પરંતુ હવે તો પાણી પીળા રંગનું અને જીવાત વાળું આવી રહ્યું છે.


