સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આસમાને પહોંચતાં ટમેટાના ભાવ. લીંબુ થોડા સસ્તા થયાં તો ટમેટાએ ભાવમાં ગતિ પકડી. શાકભાજીમાં ભાવ વધારો પણ હવે આમ જનતાને મોંઘવારીનો એક મોટો ડામ જ ગણવો રહ્યો. સામાન્ય રીતે શાકભાજી એ ભારતીય જીવનમાં રોજિંદી વપરાશની ચીજ છે. પરંતુ આ વખતે શાકભાજીના ઉંચા દામ સાંભળીને ગૃહિણીઓનું રસોઈનું બજેટ પણ ખોરવાઈ જતું દેખાય છે. આ વર્ષે કેરી કાચી હોય કે પાકી ઊંચા ભાવે વેચાતી જોવા મળે છે. વળી દેશી ગુંદા પણ ૮૦ રૂપિયે કિલો એટલે આ વખતે અથાણાં બનાવવા માટે પણ ગૃહિણીઓ ખૂબ ચિંતાતુર જોવા મળેલ. આમ ગણો તો આ ભાવવધારાના કારણે જ દરેક કુટુંબ દસ થી વીસ ટકા પોતાના આવશ્યક ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બને છે. આમ જીવન જરૂરિયાતની આવશ્યક ખાદ્યપદાર્થોમાં કૂદકે ને ભૂસકે વધતાં ભાવોથી આમજનતાનું જીવન કપરું બનતું જતું જોવા મળે છે. ગૃહિણીઓ હવે વ્યંગમાં પૂછતી જોવા મળે છે કે લીંબુના ભાવ વધ્યા, ટમેટાના ભાવ આસમાને હવે કોનો વારો આવશે…?આમ શાકભાજીનું બઝાર પણ હવે શેર બજારની માફક થઈ ગયું હોય તેવું લાગે છે. ક્યારે? શેનો ભાવ વધે એ સંપૂર્ણ અનિશ્ચિત…

