ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરાથી રાજ્યભરમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ નો શુભારંભ કરાવશે. જે યોજનામાં મહિલાઓની સગર્ભાવસ્થાથી માંડીને ૧,૦૦૦ દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ જાહેર કરવામાં આવી છે. રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’નું પણ લોન્ચિંગ કરવામાં આવશે. જે યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવશે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ, એટલે કે કુલ ૧,૦૦૦ દિવસ માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ ૧,૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ તબક્કા દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન, ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ ૧,૦૦૦ દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ લાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ.૮૧૧ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના કારણે કુપોષણ, માતા મૃત્યુદર અને બાળમૃત્યુદરમાં પણ ઘટાડો થશે.
