સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરનું મહુવા રોડ સ્થિત માર્કેટ યાર્ડ નજીક આવેલુ રેલવે ફાટક શહેરમાંથી માલવાહક ટ્રેન અને પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે બંધ રહે તે સ્વાભાવિક છે પરંતુ લગભગ દિવસમાં દસ થી પંદર વખત બંધ રહેતાં આ ફાટકથી લોકોને અવરજવર કરવા રસ્તો ઓળંગવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. આ ફાટકની સામે પાર ખેડૂતો માટે અગત્યનું સ્થાન માર્કેટ યાર્ડ આવેલું છે તો આગળ જતાં સાવરકુંડલા શહેરની ખ્યાતનામ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર(નિશુલ્ક) એટલે કે અદ્યતન નિશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ પણ છે. હા, અહીં કન્યા કેળવણી માટે આવેલી પટેલ કન્યા છાત્રાલય પણ આવેલું છે. અને અહીં અવારનવાર ફાટક બંધ રહેતું હોય ઈમરજન્સી કેસમાં આવેલ દર્દીઓને ભારે હાલાકી થાય છે. આમ તો આ ફાટકની સમસ્યા અંગે અવારનવાર વર્તમાનપત્રોમાં પણ સમાચાર પ્રકાશિત થતાં જોવા મળેલ છે. પરંતુ તંત્રનાં પેટનું પાણી હલતું નથી તેવું લાગે છે . હા, ઘણી વખત આ ફાટક ઉપર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ કરવાની વાતો હવામાં સંભળાય છે..!! તો આ સંદર્ભે યોગ્ય ઉકેલ આવે એવી અસરકારક રજૂઆત થાય તો કદાચ આ સમસ્યાનું નિરાકરણ થાય. દેશ પ્રગતિ કરી રહ્યો છે, સાવરકુંડલા શહેરને વીંધીને જ પીપાવાવ પોર્ટનો રેલવે માર્ગ પસાર થાય છે એવી પરિસ્થિતિમાં સાવરકુંડલા શહેરનાં આ ફાટક માટે કોઈ યોગ્ય અને ઝડપી નિવારણ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. થોડીવાર પણ ફાટક બંધ રહેતાં ટ્રાફિક જામ પણ થાય એ સ્વાભાવિક છે. આ અંગે યોગ્ય અને ઝડપી કાર્યવાહી દ્વારા કોઈ રચનાત્મક ઉકેલ આવે એ ઇચ્છનીય છે.
