સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન વેગ પકડતું જોવા મળે છે. સાવરકુંડલામાં ગઈકાલે નાવલી નદી રિદ્ધિ સિદ્ધિ ચોકથી આમ આદમી પાર્ટીના પંજાબના ધારાસભ્ય ડો. અમરદીપ કૌરની આગેવાની હેઠળ સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં સાવરકુંડલા શહેરનો મિજાજ અને સમસ્યા જાણવા માટે પદયાત્રીઓ નદી બઝાર થી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે નીકળ્યા. અંતે લગભગ સાંજે સાડા સાત આસપાસ સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોક ખાતે જાહેર સભાના રૂપમાં ફેરવાઈ ગયેલ.આમ આદમી પાર્ટીના ધુરંધર નેતાઓ દ્વારા આ સભામાં ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરી એક તક આમ આદમી પાર્ટીને આપવા આમ જનતાને અપીલ કરી. આમ સાવરકુંડલા શહેરમા પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીના નેતા ભરત નાકરાણી તેમજ તેની ટીમ સમેત તમામ કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટી તરફનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ પદયાત્રા અને સભા દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા પણ પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર સભામાં ખાસકરીને આમ જનતા માટે વચનો નહીં પરંતુ વિવિધ ગેરંટીની વાતોની લ્હાણી કરવામાં આવી. આમ આદમી પાર્ટી નેતાઓ દ્વારા હવે પરિવર્તન કાજે ગુજરાતની કાયાપલટ માટે એક તક આમ આદમી પાર્ટીને આપવા લોકોને જાહેર અપીલ કરી હતી.

