સુરત
ઓલપાડના માસમા ગામ ખાતે લગ્ન કરી રહેતી ૩૩ વર્ષીય પરિણીતા જ્યોતિ સાથે સાસરિયાઓના નોકરાણી જેવા વર્તનને લીધે ચાર વર્ષની બાળકી સાથે સુરતના સિંગણપોર ખાતે પિયરમાં રહેવા આવી ગઈ હતી. જાેકે, પતિ તેની પુત્રીને લઈને ચાલ્યો જતા પરિણીતાએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકાર ઉગાભાઈ મેઘવાળે તેમની પુત્રી જ્યોતિના લગ્ન ૨૦૧૭માં ઓલપાડના માસમા ખાતે રહેતા હિતેશ રમેશભાઈ ભાસ્કર સાથે કર્યા હતા. જાેકે, લગ્નના એક મહિવા બાદ જ્યોતિ સાથે પતિ સહિત સસરા રમેશભાઈ, સાસુ કમુબેન, નણંદ કિરણ, નણદોઈ રવિ, નણંદ મનિષા, અંજલી અને કૃણાલ નોકરાણી જેવું વર્તન કરતા હતા. આ સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. લગ્નગાળા દરમિયાન તેમની એક દીકરી છે. દીકરી માટે બધુ સહન કરતા હતા પણ આખરે કંટાળી ચાર વર્ષની દીકરીને લઈને જ્યોતિ પિયરમાં રહેવા આવી ગઈ હતી. ગત ૧૧ જૂનના રોજ હિતેશ સાસરે આવ્યો હતો અને જ્યોતિ અને સસરા સાથે ગાળાગાળી કરી છૂટાછેડાના કાગળ પર સહીં નહીં કરે તો જીવવા નહીં દઉ તેવી ધમકી આપી પુત્રીને લઈને જતો રહ્યો હતો. હિતેશ તે દિવસે દીકરીને પરત મૂકી ગયો હતો. ત્યારબાદ બે દિવસ બાદ ફરી પુત્રીને લઈ ગયો હતો. જેથી જ્યોતિએ ૧૪ જૂનના રોજ સાસરિયાઓના લીધે આમ કરું છું, મારી દીકરીને લઈ જાય, મારો જીવ તેનામાં છે તો હું તેના વિના નહીં રહું તેવી સુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સુરતમાં એક પરિણીતાએ આપઘાત કરી લેતા પતિ સહિત સાસરિયાના આઠ લોકો સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. પતિ ચાર વર્ષની દીકરીને લઈને જતો રહેતા પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે, મારો જીવ મારી દીકરીમાં છે હું તેના વિના નહીં રહું.
