સુરત
સુરતની અઠવાલાઈન્સ સ્થિત સ્કેટ કોલેજના અધ્યાપકને માર્કસ વધારી આપવા તથા પરીક્ષામાં બેસવા દેવાના મુદ્દે વિદ્યાર્થી તથા તેની માતાએ દાદાગીરી કરી હતી. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમરા ગામમાં જમનાનગર રો હાઉસમાં રહેતી ૪૧ વર્ષીય ડો. વૈશાલીબેન ઉમરીગર સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૧૯થી તેમની કોલેજમાં અનુરાગ સુશીલકુમાર શ્રીવાસ્તવ નામનો વિદ્યાર્થી કેમિકલ એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરે છે. અનુરાગ કોલેજમાં અનિયમિત હોવાની સાથે માત્ર પરીક્ષા આપવા કોલેજ આવે છે અને પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા કોલેજમાં અન્ય પ્રોફેસરો સાથે પણ બોલાચાલી કરે છે. કોલેજના પ્રિન્સિપાલને આ અંગે ૨જૂઆત કરાઈ હતી. વર્ષ ૨૦૨૧થી અનુરાગ અને તેની માતા કોલેજમાં આવી ધાક ધમકી આપી હતી. આ વર્ષે જૂન મહિનામાં એક્સટર્નલ પ્રેક્ટિકલ પરીક્ષા ચાલુ હતી. ત્યારે ૨૪ જૂને અનુરાગ અને તેની માતા રંજનાબેન અને તેનો ભાઈ મોહિત કોલેજમાં આવ્યા હતા. અનુરાગ અને તેની માતાએ ડો. વૈશાલીબેનને ફાઈલમાં સહી કરો અને મને પરીક્ષામાં બેસવા દો એવું કહીને ગાળાગાળી કરી હતી. તથા હું જાેઈ લઈશ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
